Mysamachar.in-
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં હાલ એકંદરે ઠંડીમાં રાહત અનુભવાઈ રહી છે. પરંતુ વચ્ચે વચ્ચે ઠંડીનો ચમકારો પણ નોંધાઈ રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગ કહે છે કે આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે અને માવઠાંની પણ સંભાવનાઓ છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, એકાદ બે દિવસમાં સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 2/3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જો કે એ પછી આ તાપમાનમાં બે ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. હવામાન વિભાગ એમ પણ કહે છે કે, આગામી સાતેક દિવસ દરમિયાન વાતાવરણ શુષ્ક રહી શકે છે. સાથે જ હવામાન વિભાગ એમ પણ કહે છે કે, આ દિવસો દરમિયાન રાજ્યના ઉત્તર પંથકમાં અથવા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતાઓ વધારી શકે છે.
હાલમાં ઉત્તરીય પવનો ફુંકાઈ રહ્યા છે, સાથે ગુજરાત ઉપર દક્ષિણ રાજસ્થાનમાં સાયકલોનિક સરકયુલેશનની પણ અસરો હોય, રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહી શકે છે. આ સાથે જ જામનગરમાં લઘુતમ તાપમાન જે 14/15 ડિગ્રી આસપાસ રહે છે તે આજે બુધવારે ઘટીને 11.8 થઈ જતાં જામનગર શહેર અને પંથકમાં લોકોએ ઠંડીના ચમકારાનો અહેસાસ કર્યો છે.