Mysamachar.in-ગાંધીનગર:
સૌ જાણે છે એમ ગુજરાતમાં છેલ્લા પચ્ચીસેક વર્ષથી ‘જમીન’ પર સૌની નજર છે અને સૌથી વધુ ‘કામકાજ’ આ ક્ષેત્રમાં થઈ રહ્યા છે. પાછલાં કેટલાંક વર્ષ દરમ્યાન આ ક્ષેત્રમાં કાયદાકીય ફેરફારો પણ ઘણાં થયા છે અને જમીન સંબંધિત વિવિધ પ્રોસેસમાં ફ્લેક્સિબિલીટી દાખલ કરવામાં આવી છે. હવે આ ક્ષેત્રમાં વધુ એક મોટો અને ઐતિહાસિક ફેરફાર આગામી સમયમાં થઈ શકે, એ માટેની ગોઠવણ શરૂ થઈ ગઈ છે.
આગામી સમયમાં એમ બની શકે કે, જે વ્યક્તિ વારસાઈ પધ્ધતિએ ખેડૂત ન હોય, બિનખેડૂત હોય, એ પણ ખેતીની જમીન ધારણ કરી શકે છે. જો આમ થશે તો આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં ખેતી સંબંધે ઐતિહાસિક પરિવર્તન આવી શકે છે. કોઈ ચોક્કસ ‘સમૂહ’ જ ખેડૂત હોવાના સરકારી અને રાજકીય લાભો મેળવી શકશે નહીં, સૌનો સાથ અને સૌનો વિકાસ- એ સૂત્ર ખેતીક્ષેત્રમાં લાગુ પડી જશે. ખેતીની જમીન કોઈ પણ વ્યક્તિ રૂપિયા ફેંકી ખરીદી શકશે, એમ હાલની ગતિવિધિઓ પરથી દેખાઈ રહ્યું છે.
સચિવાલય કક્ષાએથી જાહેર થયેલી વિગત અનુસાર, રાજ્યમાં 2 સમિતિની રચના થઈ છે. આ સમિતિઓ આગામી 6 મહિનામાં હોમવર્ક કરશે અને જમીન સંબંધિત કોઈ એવી ફોર્મ્યુલા તૈયાર કરશે કે, ગુજરાતના ખેતી અને જમીન ક્ષેત્રમાં ઐતિહાસિક પરિવર્તન દાખલ થઈ જશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલાં એપ્રિલ માસમાં એવી જાહેરાત થઈ હતી કે, નવી શરતની જમીન જૂની શરતમાં ફેરબદલ થઈ જશે અને એ માટે પ્રીમિયમ મુક્તિ આપવામાં આવશે. આ ફેરફાર હાલ અમલમાં પણ છે. જેનો ઘણાં બધાં લોકોને લાભ પ્રાપ્ત થયો છે અને અત્યારે પણ આ લાભ લેવામાં આવી રહ્યો છે.
હવે, જમીન મહેસૂલ અધિનિયમ જેવા દાયકાઓ જૂના કાયદાઓમાં આમૂલ પરિવર્તન આવશે. 2 સમિતિની રચના થઈ. 2 નિવૃત અને અનુભવી IASને આ સમિતિનું વડપણ આપવામાં આવ્યું છે. આ સમિતિ ‘ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ-1879’માં સુધારો કરી નવો સંકલિત કાયદો તૈયાર કરશે.
આ ઉપરાંત આ સમિતિ ‘ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ-1948’ સહિતના અન્ય મહેસૂલી કાયદાઓમાં ફેરફાર માટે હોમવર્ક કરશે. અત્યંત આધારભૂત સૂત્રના કહેવા અનુસાર, ‘બિનખેડૂત’ વ્યક્તિઓ ખેતીની જમીન ધારણ કરી શકે, એ માટેની વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે. હાલના નિયમમાં ઢીલ આવી શકે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલ એવો નિયમ છે કે, ગુજરાતમાં જે વ્યક્તિ જન્મથી ખેડૂત હોય, એ જ ખેતીની જમીન ધારણ કરી શકે. આ નિયમમાં ફેરફાર કરવા જુદાજુદા વિકલ્પો તપાસવામા આવી શકે છે. હાલના ખેડૂતોની મોનોપોલિ તૂટી શકે છે. કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ માટે આજના સમયમાં અપ્રસ્તુત બની ગયેલાં કેટલાંક કાયદાઓ અને ઠરાવો રદ્દ થઈ શકે છે, જો કે આ કામગીરીઓ દરમ્યાન અદાલતોના કેટલાંક ચુકાદાઓનો અભ્યાસ કરવો પડશે, કેટલાંક ચુકાદા ધ્યાન પર પણ લેવા પડશે. અને ત્યારબાદ, લોકલક્ષી જોગવાઈઓ સાથેની નવી નીતિઓ તૈયાર કરવાની થશે. પરંતુ એમ માનવામાં આવે છે કે, નિવૃત IAS ઘણો અનુભવ ધરાવતાં હોય છે અને એમને નેતાઓનું આડકતરૂં માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું હોય છે, આથી આ સમિતિઓ રસ્તો ‘તૈયાર’ કરી લ્યે તેવી સંભાવનાઓ હાલ ચર્ચાઓમાં છે.

























































