Mysamachar.in-
આરોગ્યની માફક શિક્ષણના પવિત્ર ક્ષેત્રમાં પણ ધંધાર્થીઓ મનમાની ચલાવી રહ્યા છે. વ્યવસ્થાઓ એવી રીતે ‘ગોઠવવા’માં આવે છે કે, શિક્ષણના ધંધાર્થીઓ વાલીઓને ‘લૂંટી’ શકે, તેની સામે વાલીઓ કશું જ ન કરી શકે. આવી સંવેદનશીલ બાબતો અંગે કહેવાતા વાલીમંડળ અને બની બેઠેલાં આગેવાનો મૌન ધારણ કરીને બેઠાં છે- એ પણ સૌ સંબંધિતોએ યાદ રાખવું જોઈએ.
આ આખી વાત એમ છે કે, જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લાઓમાં કોઈ પણ ખાનગી શાળાએ ફી વધારો કરવો હોય તો, ફી નિર્ધારણ સમિતિ એટલે કે, FRCની સૌરાષ્ટ્ર ઝોન સમિતિમાં જવું પડે. આ સમિતિ ખાનગી શાળાઓની ફી વધારા અંગેની દરખાસ્તોનો અભ્યાસ કરે. અને બાદમાં કઈ ખાનગી શાળા આગામી જૂનથી શરૂ થતાં શૈક્ષણિક સત્ર માટે કેટલો ફી વધારો વાલીઓ પાસેથી વસૂલી શકે- એ પ્રકારનો હુકમ સૌરાષ્ટ્ર ઝોનની FRC સમિતિ કરે.
આ વાતમાં ટ્વિસ્ટ એ છે કે, હાલમાં સૌરાષ્ટ્ર ઝોનની આ FRC સમિતિમાં ચેરમેનની જગ્યા ખાલી છે. અત્યાર સુધી જે ચેરમેન હતાં તેણે રાજીનામું આપી દીધું છે. રાજીનામું મંજૂર થઈ ગયું છે. નવા ચેરમેનની નિયુક્તિ થઈ નથી. સમિતિના ચેરમેન તરીકે વડી અદાલતના નિવૃત જજની નિયુક્તિ કરવાની હોય છે.
હાલની આ સ્થિતિઓ દરમિયાન જામનગર સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં, હજારો ખાનગી શાળાઓ દ્વારા એડમિશન પ્રોસેસ ચાલી રહી છે. ઘણી શાળાઓ ફી વધારો વસૂલી રહી છે. આ ફી વધારાને હજુ સુધી FRC દ્વારા કોઈ જ મંજૂરીઓ મળી નથી. નિયમ વિરુદ્ધ કેટલીક ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી ‘લૂંટ’ ચલાવી રહી છે, વાલીઓને પણ આ ‘લૂંટ’ની જાણ છે. પરંતુ પોતાના સંતાનોને તેઓ આ ખાનગી શાળાઓમાં ભણાવવા ઈચ્છતા હોય, આ વાલીઓ શાળાઓના સંચાલકો વિરુદ્ધ કાંઈ જ બોલી શકતા નથી. સમગ્ર ખેલ કોઈના પણ નિયંત્રણ વિના ઉઘાડેછોગ ખેલાઈ રહ્યો છે.
આ ગંભીર બાબતને લઈ Mysamachar.in દ્વારા ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું: જે ખાનગી શાળાઓ હાલ એડમિશન પ્રક્રિયાઓ ચલાવી રહી છે, તે તમામ ખાનગી શાળાઓએ વાલીઓ પાસેથી વસૂલવામાં આવતી શૈક્ષણિક ફી સહિતની તમામ ફી ની વિગતો શાળાના નોટિસ બોર્ડ પર વાલીઓની જાણ માટે મૂકવી ફરજિયાત છે. એમાં કસૂર થશે તો એ શાળા વિરુદ્ધ કાર્યવાહીઓ થશે.
DEOએ વધુમાં જણાવ્યું કે, જે ખાનગી શાળાઓએ આગામી જૂનથી ફી વધારો મંજૂર કરાવવા FRC સમક્ષ દરખાસ્ત કરી છે, તે દરખાસ્ત અનુસંધાને સમિતિ દ્વારા જે ફી વધારો મંજૂર થશે, તેના કરતાં વધુ નાણાં જો કોઈ શાળાએ વાલીઓ પાસેથી ફી પેટે વસૂલ કર્યા હશે તો, તે વધારાની રકમ શાળાઓએ સંબંધિત વાલીઓને પરત આપવાની રહેશે. આ રકમ હવે પછીની ફી વસૂલાત સમયે વાલીઓને બાદ કરી આપવાની રહેશે. જો આમ કરવામાં કોઈ ખાનગી શાળા ચૂક કરશે તો તે શાળાને દંડ કરવા સરકારમાં ભલામણ કરવામાં આવશે. જિલ્લાના એજ્યુકેશન ઈન્સ્પેક્ટરો દ્વારા આ બાબતે સતત તપાસ થઈ રહી છે. જો કે હજુ સુધી કોઈ શાળા વિરુદ્ધ એક પણ વાલી દ્વારા ફી મામલે લેખિત ફરિયાદ કરવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, શૈક્ષણિક વર્ષ 2023-24 દરમિયાન જામનગરની એક જાણીતી ખાનગી શાળાએ પોતાના છાત્રો પાસેથી નિયમ વિરુદ્ધ વધારાની ફી વસૂલી લીધી હતી. આ મામલો FRC સૌરાષ્ટ્ર ઝોન સમક્ષ ગયો હતો. બાદમાં FRC સમિતિના હુકમના ઉલ્લંઘન બદલ આ જાણીતી ખાનગી શાળાને રૂ. 2.50 લાખનો દંડ પણ થયેલો છે. આ વિગતો રાજ્યની વિધાનસભામાં ખુદ શિક્ષણમંત્રીએ જાહેર કરી. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ પ્રકારના મામલામાં જે શાળાએ ફી મામલે નિયમ વિરુદ્ધ જે વધારાની રકમો વાલીઓ પાસેથી વસૂલી લીધી હોય, તેના કરતાં બમણી રકમ તે શાળાઓએ FRC માં જમા કરાવવી પડે, એવો પણ FRC નો નિયમ છે.