Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લાઓની ખાનગી શાળાઓની ફી વ્યવસ્થાઓ પર દેખરેખ રાખવા, રાજકોટ ઝોન FRC ફી રેગ્યુલેશન કમિટી છે. આ કમિટીના ચેરમેનની જગ્યા ખાલી હોવાને કારણે ખાનગી શાળાઓના સંચાલકોને આડેધડ ફી વસૂલવાની’સુવિધાઓ’ ઉપલબ્ધ થઈ હોવાનું જાણવા મળે છે.
FRC ચેરમેન તરીકે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટના નિવૃત જજની નિયુક્તિ કરવામાં આવતી હોય છે. રાજકોટ FRC ના ચેરમેન દ્વારા ઘણાં સમય અગાઉ પદ પરથી રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. ત્યારબાદ સરકાર દ્વારા નવા ચેરમેનની નિયુક્તિ હજુ સુધી કરવામાં આવી ન હોય, આ પદ ખાલી છે.
સામાન્ય રીતે જૂન આસપાસ નવું શૈક્ષણિક સત્ર અને વર્ષ શરૂ થાય એ અગાઉ માર્ચથી મે દરમિયાન ખાનગી શાળાઓમાં એડમિશન પ્રક્રિયાઓ શરૂ થઈ જતી હોય છે, એડમિશન પ્રોસેસ અગાઉ જ આ શાળાઓએ FRC સમક્ષ ફી વધારા માટેની મંજૂરીઓ મેળવવાની હોય છે. પરંતુ આ પદ ખાલી હોય, જામનગર સહિત અગિયાર જિલ્લાઓની ખાનગી શાળાઓ હાલ આડેધડ ફી વસૂલી, એડમિશન પ્રોસેસ આગળ વધારી રહી હોવાનું જાણવા મળે છે.
આ સમગ્ર વિષય અંગે Mysamachar.in દ્વારા DEO વિપુલ મહેતા સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. એમના જણાવ્યા અનુસાર, વર્ષ 2025-26 દરમિયાન ખાનગી શાળાઓની જે ફી FRC દ્વારા નક્કી થશે તેના કરતાં વધુ ફી જો કોઈ શાળા દ્વારા વસૂલવામાં આવી હશે તો, એ પછીના તબકકામાં વિદ્યાર્થીઓને એ વધારાની ફી ના નાણાં નવી ભરવાની થતી ફી માંથી બાદ કરી આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, દરેક શાળાઓએ વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવાની થતી શૈક્ષણિક ફી સહિતની તમામ વિગતો શાળાના નોટિસ બોર્ડ પર દર્શાવવી ફરજિયાત છે. જામનગરમાં આ પ્રકારની સ્થિતિઓ છે કે કેમ, અથવા એ અંગે શિક્ષણ વિભાગ દ્વારા નિયમિત તપાસ કાર્યવાહીઓ થઈ રહી છે કે કેમ, તે અંગેની વિગતો તંત્ર દ્વારા સ્વેચ્છાએ કયારેય જાહેર કરવામાં આવતી નથી. આ ઉપરાંત શાળાઓ દ્વારા થતી ફી વસૂલાતમાં નિયમ વિરુદ્ધ વસૂલાત થઈ રહી છે કે કેમ, એ અંગે તંત્ર સમક્ષ કોઈ ફરિયાદ નથી, એમ પણ તંત્ર દ્વારા કહેવાય છે. પરંતુ સૌ જાણે છે કે ડરને કારણે કોઈ વાલીઓ શાળાઓ વિરુદ્ધ ફરિયાદ કરતા હોતા નથી. આ બધી તપાસ ખરેખર તો તંત્ર દ્વારા થવી જોઈએ અને સ્વેચ્છાએ વિગતો બહાર પાડવી જોઈએ, એવી લાગણીઓ વાલીઓ દ્વારા ખાનગીમાં વ્યક્ત થઈ રહી છે.