Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્ય- આ બે એવા સંવેદનશીલ અને મહત્વપૂર્ણ ક્ષેત્ર છે, જેમાં સૌથી વધુ લાલિયાવાડીઓ ચાલી રહી હોય, સમગ્ર રાજ્યમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લાખો લોકોની માઠી બેઠી છે. આ પ્રકારનો વધુ એક મુદ્દો વિધાનસભામાં જાહેર થયો.
ગુજરાત સરકારે વિધાનસભામાં જાહેર કર્યું કે, પાછલાં 2 વર્ષ દરમિયાન રાજ્યમાં કુલ 56 સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી. સરકારે એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં કહ્યું: આ શાળાઓમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા ન હતાં અથવા કેટલીક શાળાઓમાં ખૂબ ઓછા વિદ્યાર્થીઓ પ્રવેશ લેતાં હતાં. આથી આ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.
આ 2 વર્ષ દરમિયાન સૌથી વધુ 9 સરકારી પ્રાથમિક શાળાઓ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બંધ થઈ. રાજ્યમાં શાળાઓ બંધ થવાની બાબતમાં બીજા ક્રમે અરવલ્લી જિલ્લો છે, જ્યાં 7 શાળાઓ બંધ થઈ. આ ઉપરાંત સુરત, ગાંધીનગર, જૂનાગઢ, પોરબંદર અને અમરેલી સહિતના જિલ્લાઓની કેટલીક શાળાઓનો આ યાદીમાં સમાવેશ થાય છે.(file image)