Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની અંદર ઘણું થતું હોય છે, તેમાં કેટલીક ‘રમત’ પણ હોય છે. તાજેતરમાં સિંગલ ઓર્ડરથી એક અધિકારીની બદલી એવી રીતે થઈ કે, આ અધિકારીને ‘સજા’ કે મજા તેવો ઘાટ સર્જાયો. આથી મહાનગરપાલિકા વર્તુળમાં સૌ અચરજથી આ બદલીની ચર્ચાઓ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
જામનગર મહાનગરપાલિકાએ સામાન્ય વહીવટ વિભાગમાંથી બદલી કરીને તેને લીગલ ઓફિસર બનાવી દીધાં. લીગલ ઓફિસરે કોર્પોરેશન વિરુદ્ધ લડાતા કાનૂની વિવાદમાં કોર્પોરેશન તરફથી કાનૂની અભિપ્રાય આપવાના હોય છે. અચરજની વાત એ છે કે, આ લીગલ ઓફિસર ખુદ પોતાની બઢતી મુદ્દે કોર્પોરેશન વિરુદ્ધ કાનૂની તકરાર લડી રહ્યા છે. તેમ અંતરંગ સુત્રો જણાવે છે, તો પોતાના કેસમાં તેઓ લીગલ ઓફિસર તરીકે કોર્પોરેશનની તરફેણમાં અભિપ્રાય આપશે કે પોતાની ફેવરમાં- એ જોવું આગામી સમયમાં રસપ્રદ બનશે, એવી ચર્ચાઓ સાથે કોર્પોરેશનમાં એવી હળવી મજાક પણ થઈ રહી છે કે, આ અધિકારીની હાલની બદલીનો એક અર્થ એમ પણ થઈ શકે કે, જાણે કોઈ બિલાડીને દૂધના વાસણની ચોકીદારીની ફરજ સોંપવામાં આવે. આ પ્રકારની સ્થિતિઓમાં પછી દૂધનું શું થાય ? એવો પ્રશ્ન JMC વર્તુળમાં પૂછાઈ રહ્યો છે.
આ પ્રશ્નનો ઉત્તર આગામી દિવસોમાં કોર્પોરેશનના રેકર્ડ પર આવી જ જશે, એમ પણ ઘણાં લોકો કહી રહ્યા છે. દૂધનું વાસણ અત્યારે કોર્પોરેશનમાં ચર્ચાઓમાં હોટ ફેવરીટ બન્યું છે. આ ઉપરાંત વધુમાં સુત્રો એવું પણ જણાવે છે કે મનપા દ્વારા હાલ ભરતી પ્રક્રિયાઓનો ધમધમાટ છે તેમાં બદલી પામેલ અધિકારી પોતાના અંગતની ભરતીઓમાં રસ ના લે તે માટે પણ તેમને દુર કરવામાં આવ્યા હોય શકે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે.જો કે બદલીઓનો જે ઓર્ડર થયો છે તેમાં આ બદલી વહીવટી સરળતા અને ખાતાના કામની સગવડતા માટે કરવામાં આવી છે તેમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
