Mysamachar.in-જામનગર:
સમગ્ર રાજયની સાથે-સાથે જામનગરમાં પણ નકલી ઉર્ફે બનાવટીની બોલબાલા છે, જે ખૂબ જ ગંભીર મામલો છે. ખાસ કરીને શુદ્ધ ઘી ના ભાવો ઉંચા રહેતાં હોય, સમાજના દુશ્મનો આ ધંધામાં કાળી કમાણી કરી લેવા કારસાઓ ગોઠવતાં હોય છે. આવા તત્વો નીચા ભાવથી નકલી ઘી અસલ ઘી તરીકે વેચી કમાણી કરી લેતાં હોય છે. જો કે, આ પ્રકારના કુંડાળાઓ મોટેભાગે શહેરના પછાત અને ગરીબ વિસ્તારોમાં વધુ ચાલતાં હોય છે, જાગૃત અને સંપન્ન પરિવારો સસ્તું ઘી ખરીદવાથી દૂર રહેતાં હોય છે. જો કે તેનો અર્થ એવો નથી કે, મોંઘુ મળતું ઘી શુદ્ધ જ હોય, તેમાં પણ ભેળસેળની શકયતાઓ તો હોય જ છે, સામાન્ય રીતે મોંઘા વેચાતા ઘી પર તંત્રોની બહુ નજર હોતી નથી, એવું લોકો માની રહ્યા છે.
જામનગર શહેરના અમુક વિસ્તારોમાં બનાવટી ઘી બનાવવા અને વેચવાનો બિઝનેસ ધમધમતો રહે છે, થોડાં થોડાં સમયના અંતરે આવા તત્વો ઝડપાઈ પણ જતાં હોય છે. આવો વધુ એક શખ્સ પોલીસ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના હાથમાં ચડી ગયો છે.
જામનગર SOGના ઈન્ચાર્જ PI બી.એન. ચૌધરીના માર્ગદર્શન મુજબ, ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખી શહેરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49 માં એક સ્થળે દરોડો પાડી આવા એક ધંધાર્થીને 555 કિલોગ્રામ બનાવટી ઘી ના જથ્થા સાથે પકડી પાડ્યો છે. આ શખ્સનું નામ ચિરાગ મનસુખલાલ હરીયા છે. જે ઈદ મસ્જિદ નજીક વસવાટ કરે છે અને નકલી ઘી બનાવવા તથા વેચવાનો ધંધો કરે છે.
આ શખ્સના કબજામાંથી ઘી ના, પતરાંના 15 ડબ્બા મળી આવ્યા છે જેમાં બનાવટી અને શંકાસ્પદ ઘી છે. આ ઉપરાંત આ દરોડામાં 10 કિલોગ્રામના પતરાંના અન્ય 5 ડબ્બા તથા 15 કિલોગ્રામના ટીનના 17 કીટલા પણ મળી આવ્યા છે. ભેળસેળયુકત શંકાસ્પદ ઘી રૂપિયા 2,65,000 ની કિંમતનું હોવાનું જાહેર થયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ ઘી ના સેમ્પલ લીધાં છે. ચકાસણીઓ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. દરોડાની આ કામગીરીઓ PSI પરમાર તથા PSI બારની ટીમે કરી હતી.