Mysamachar.in-જામનગર:
જામનગરની જિલ્લા સહકારી બેંકના જામજોધપુર ખાતેના એક કર્મચારીએ નોકરી દરમ્યાન રૂ. સાડા ત્રણ કરોડનું કૌભાંડ કર્યું હતું. ત્યારબાદ પણ આ શખ્સને એ જ બેંકમાં નોકરી પરત જોઈતી હતી ! અદાલતે ના પાડી દીધી. જિલ્લા સહકારી બેંકની જામજોધપુર શાખાનો કર્મચારી(કેશિયર) નિરજ મગનલાલ પટેલ રૂ. 3.5 કરોડનું કૌભાંડ કર્યા બાદ ઝડપાઈ ગયો હતો. તેના વિરુદ્ધ બેંક દ્વારા તપાસ થઈ હતી અને આ તપાસ દરમ્યાન આ શખ્સ કસૂરવાર પણ સાબિત થયો. આથી તેને નોકરી પરથી દૂર કરી દેવામાં આવ્યો.
આ શખ્સને નોકરીમાંથી છૂટો કરવાનો બેંકે જે હુકમ કર્યો હતો તે હુકમને આ શખ્સે મજૂર અદાલતમાં કાનૂની પડકાર આપ્યો. આ મામલામાં બેંક તરફથી થયેલી રજૂઆત અને દલીલો ધ્યાને લઈ અદાલતે આ શખ્સની નોકરી પરત મેળવવાની માંગ ફગાવી દીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ શખ્સે બેંકમાં નોકરી દરમ્યાન ગ્રાહકો પાસેથી FDના નાણાં લીધાં હતાં અને તેના બદલામાં લોકોને બોગસ રસીદો આપી હતી. આ FDના નાણાં આ શખ્સે બેંકમાં જમા કરાવવાને બદલે અંગત ઉપયોગમાં લઈ લીધાં. આ શખ્સે આ રીતે કુલ રૂ. 3.5 કરોડનું કૌભાંડ કર્યું હતું.

























































