Mysamachar.in-જામનગર:
હાલમાં સમગ્ર રાજ્યમાં દારૂબંધીની અસરકારકતાનો મુદ્દો ચર્ચાઓમાં છે. પોલીસ કામગીરીઓ અંગે સવાલો અને જવાબો સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ધૂમ મચાવી રહ્યા છે. તે દરમ્યાન સમગ્ર રાજ્યની પોલીસે ‘અમે આટલું કામ કરીએ છીએ’ એ મતલબની યાદી અને ફોટા પ્રચાર પ્રસાર માધ્યમોમાં જાહેર કરવા માટે મોકલ્યા છે. જામનગર પોલીસ પણ આ બાબતે રાજ્ય પોલીસની આ કસરતમાં જોડાયેલી છે.
હાલમાં ડિસેમ્બર માસનો પ્રારંભ થયો છે. દરમ્યાન, જામનગર પોલીસે વર્ષ 2025ની કામગીરીઓની યાદી જાહેર કરી. આ યાદી 30-11-2025 સુધીની હોય શકે છે. આ યાદી અનુસાર, જામનગર શહેર અને જિલ્લામાં દર 24 કલાકે શરાબના કુલ 27 કેસ દાખલ કરવામાં આવે છે. જો કે આ 11 માસ દરમ્યાન શરાબની કુલ કેટલી બોટલ ઝડપાઈ ગઈ છે, તે આંકડો આ યાદીમાં નથી.
આ યાદી અનુસાર, વર્ષ 2025માં શરાબ સંબંધિત કુલ 9,103 કેસ- જૂગારના 776 કેસ- માદક પદાર્થના 7 કેસ- હથિયાર સંબંધિત જાહેરનામા ભંગના 859 કેસ દાખલ થયા છે. ધાડ, લૂંટ, ઘરફોડ અને ચોરીના મામલામાં 2 ગેંગ ઝડપાઈ ગઈ. 11,291 શખ્સ વિરુદ્ધ અટકાયતી પગલાંઓ લેવામાં આવ્યા. કલેક્ટરના હુકમ મુજબ 66 શખ્સ વિરુદ્ધ ‘પાસા’ કાર્યવાહીઓ અને 70 વિરુદ્ધ હદપારી કાર્યવાહીઓ થઈ છે.
સાયબર ક્રાઈમ પીડિત લોકોને કુલ રૂ. 2.13 કરોડ પરત અપાવવામાં આવ્યા. કુલ કેટલાં કરોડની સાયબર છેતરપિંડીઓ થઈ તે આંકડો જાહેર થયો નથી. કેટલાં ગુનેગારોની ધરપકડ થઈ એ આંકડો પણ જાહેર થયો નથી. જુદાજુદા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાંથી ઝડપાયેલી શરાબની 65,000 બોટલનો નાશ કરવામાં આવ્યો. આ ઉપરાંત વાહન હરાજીમાં રૂ. 53.56 લાખની આવક થઇ. CCTV કેમેરા સંબંધિત કામગીરીઓમાં 28 કેસમાં 29 લાખની ચીજો તથા નાણાં પરત આપ્યા. આ યાદીમાં હત્યા તથા અપહરણ અને ગેંગરેપ જેવા મામલાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી.


