Mysamachar.in-ગીર સોમનાથ:
ઉત્તર ગુજરાતના એક શખ્સે હંગામી જૂગાર ક્લબ શરૂ કરવા ગીરના તાલાળા નજીક એક રિસોર્ટ ભાડે રાખી લીધો અને ત્યાં એક અલગ પ્રકારના ‘ટુરિઝમ’ને વેગ આપવા ‘જૂગાર’ ખેલ્યો પરંતુ દાવ ઉંધો પડ્યો. લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા દરોડો પડતાં આ ધમધમતી ક્લબમાંથી એકસાથે 55 જૂગારી ઝડપાઈ ગયા.
જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણાના કડી વિસ્તારના જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરી રહેલા ગીર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ સક્રિય છે.ગીર સોમનાથ LCBના PI અરવિંદસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, કડીનો ગેમ્બલર ભાવેશ આ તમામ જુગારીઓને ગીર વિસ્તારમાં લઈ આવ્યો હતો. પકડાયેલા 55 જુગારીઓમાંથી 8 જુગારીઓ અગાઉ પણ અનેક વાર જુગાર રમતા પકડાઈ ચૂક્યા છે.
આ રિસોર્ટ વેરાવળના જમીન દલાલ જયેશ પંડ્યા ઉર્ફે લાલો પંડ્યાનો છે. તેણે આ જગ્યા કડી ના ભાવેશ નામના શખ્સને 3 મહિના માટે ભાડે આપી હતી. આ રિસોર્ટ તાલાળા પંથકના સાંગોદરા ગીર અને ચિત્રાવડ ગીર ગામોની વચ્ચે જંગલ વિસ્તારમાં છે. આમ તો અહીં ઘણાં સમયથી જૂગાર ક્લબ ધમધમતી હતી. છેલ્લે આ બાતમી LCBને મળી અને દરોડો પડ્યો. આ દરોડામાં મહેસાણા જિલ્લાના એકસાથે 55 જૂગારી ઝડપાઈ જતાં, લોક અપ તો ઠીક સ્થાનિક પોલીસ સ્ટેશન પણ નાનું પડ્યું. દરોડામાં 70 મોબાઈલ અને 15 કાર કબજે લેવામાં આવી છે. આ દરોડામાં રૂ. 28 લાખની રોકડ રકમ મળી આવી અને આટલાં બધાં જૂગારી વચ્ચે શરાબની 4 બોટલ મળી આવી હોવાનું બહાર આવ્યું.
રવિવારે સાંજે 6/7 વાગ્યાની આસપાસ આ રિસોર્ટ આસપાસ મેળા જેવું વાતાવરણ હતું. પરંતુ બાતમીમાં જાણમાં આવ્યું કે, આ પ્રવાસન હટકે છે. ઝડપાયેલા શખ્સો ગુજરાતના વિવિધ વિસ્તારોના છે પણ મોટાભાગના જૂગારી કડી-કલોલ અને મહેસાણા પંથકના છે. જો કે રવિવારે મોડી રાત સુધી આ જૂગારીઓના નામો જાહેર થયા નથી. રિસોર્ટ ભાડે રાખનાર ભાવેશ નામનો કડીનો શખ્સ ઝડપાઈ ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રજાના દિવસોમાં અને આમ તો બારેમાસ ગીર પંથકમાં ‘જંગલમાં ઘણાં પ્રકારના મંગલ’ દિવસરાત ચાલતાં હોવાનું જાણકારો કહે છે.