Mysamachar.in-જામનગર:
ભારત અને ગુજરાતની માફક જામનગર જિલ્લામાં પણ કોંગ્રેસએ હથિયાર હેઠાં મૂકી દીધાં છે, પાછલાં દસ દસ વરસથી કોંગ્રેસ જિલ્લામાં સતત ઘસાઈ રહી છે, હવે કોંગ્રેસના તાબૂતમાં આખરી ખીલો પણ ઠોકાઈ ગયો છે, સમગ્ર જિલ્લામાં એક માત્ર જામજોધપુર લાલપુર વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસ અત્યાર સુધી કાંઈક મજબૂત દેખાતી હતી, હવે આ વિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પણ કેસરિયા રંગે રંગાઈ જતાં કોંગ્રેસનો કચ્ચરઘાણ નવા તળિયે પહોંચી ચૂક્યો છે.
જામજોધપુર લાલપુર વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને મજબૂત કોંગ્રેસી નેતા ચિરાગ કાલરીયા પણ હવે કેસરિયા રંગમાં ગળાડૂબ છે, કેમ કે તેઓને ખ્યાલ છે કે, કોંગ્રેસનું જિલ્લા માળખું મજબૂતી ગુમાવી ચૂકયુ છે, વ્યક્તિગત તાકાત પર અત્યાર સુધી ઝઝૂમી રહેલાં ચિરાગ કાલરિયાએ Mysamachar.in સાથેની વાતચીતમાં સ્વીકાર કરી લીધો છે કે, હા..હું પણ કેસરિયા કરૂં છું.
અત્યંત આધારભૂત સૂત્ર અનુસાર, આ ઓપરેશન ખુદ મુખ્યમંત્રીએ કર્યું છે. ઘણાં સમયથી આ હવા હતી જ, હવે આ ઘટનાક્રમ વાસ્તવ બનવાની તૈયારીઓમાં છે. પક્ષમાં સંગઠનની દ્રષ્ટિએ એકલાં પડી ગયેલાં ચિરાગ કાલરિયાનો ભાજપા પ્રવેશ નિશ્ચિત બની ગયો. જિલ્લામાં કોંગ્રેસ લાંબા સમયથી નિષ્ક્રિય રહી છે, જનતાને સાથે રાખી મહત્ત્વના મુદ્દાઓ પર પણ પાર્ટી જિલ્લામાં સરકારને ભીડવી શકે એવા કાર્યક્રમ આપી શકતી નથી, સમગ્ર જિલ્લામાં સંગઠનની દ્રષ્ટિએ હું, ફૂઈ અને રતનિયો જેવો ઘાટ રહ્યો છે. કયાંય, કોઈ સક્રિયતા નહીં, કયાંય, કોઈ આક્રમકતા નહીં. ન સંગઠનનો વિસ્તાર, ન પ્રજાલક્ષી મુદ્દાઓ ઉજાગર કરવાની કવાયત. આ પ્રકારના નિષ્ક્રિય અને નેગેટિવ વાતાવરણમાં બળુકા નેતાઓ ક્યાં સુધી આપઘાત કરતાં રહે ? ચિરાગ કાલરિયાનો આ નિર્ણય મજબૂરીમાં લેવાયેલો સમયસરનો નિર્ણય છે, એમ જાણકારો માને છે.
જામનગર શહેર અને જિલ્લામાં કોંગ્રેસના અનુભવી અને પીઢ નેતાઓએ પક્ષને જાણે કે દિશાવિહીન અવસ્થામાં છોડી દીધો હોય તેવી સ્થિતિને કારણે ઘણાં મહેનતુ આગેવાનો પક્ષમાં ગૂંગળામણ મહેસૂસ કરી રહ્યા છે, ચિરાગ કાલરિયાએ આ સ્થિતિનો ઉકેલ શોધી લીધો હોવાનું બહાર આવ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ ઘટનાક્રમને કારણે હવે આગામી લોકસભા ચૂંટણીમાં આ મત વિસ્તારમાં વિપક્ષે મતો ભેગાં કરવામાં અતિ મહેનત કરવી પડશે અને એ મહેનત લેખે લાગે એવી શકયતાઓ પણ નહિવત બની છે કેમ કે, ચિરાગ કાલરિયાની તાકાત બીજેપીને આ વિસ્તારમાં લોકસભા ચૂંટણીમાં મોટો ફાયદો અપાવી શકવાની સક્ષમતા ધરાવે છે. તેમણે ભૂતકાળમાં આ બેઠક પર ભાજપના પૂર્વ કેબિનેટમંત્રીને પણ પરાજયનો સ્વાદ ચખાડેલો. સૂત્ર એમ પણ કહે છે કે, ચિરાગ કાલરિયા આ વિસ્તારમાં આગામી સમયમાં ભાજપા માટે એસેટ પૂરવાર થશે, જો કે આ હકીકત કેટલાંક સિનિયર નેતાઓને અકળાવી પણ શકે. પરંતુ એક વાત તો નિશ્ચિત જ છે કે, ભાજપાનો આ ફાયદો કોંગ્રેસ માટે મોટું નુકસાન સાબિત થશે. ભાજપા દ્વારા થતી આ પ્રકારની તોડભાંગ સામે ટક્કર ઝીલી શકે એટલી મજબૂતી જિલ્લામાં કોંગ્રેસ માટે ભૂતકાળ બની ચૂકી છે. જિલ્લાનો હવાલો સંભાળતા કોંગ્રેસના નેતાઓ આ ઘટનાક્રમ પરથી બોધપાઠ લેશે ? કે, હજૂ હવામાં જ રહેશે ? એવો વેધક પ્રશ્ન સર્વત્ર ચર્ચાઈ રહ્યો છે.