mysamachar.in-જામનગર
ગુજરાતમાં ગામડાના પાદરમાંથી પસાર થતાં રસ્તાઓ વરસાદી પાણીના કારણે તૂટી જતાં હોવાથી સરકારે આ રસ્તાઓ આર.સી.સી થી કરવા માટે નવી યોજના લોન્ચ કરીને સુવિધાપથ હેઠળ ગામડાની પ્રજાને સુવિધા આપવાનો સારો પ્રયાસ છે પરંતુ આ રસ્તાઓ યોગ્ય ટ્રીટમેન્ટના અભાવે ખરાબ થઈ જતા ગ્રામીણ પ્રજાને જોઈએ એટલો સુવિધાપથનો લાભ મળી શક્યો નથી,
જામનગર જીલ્લામાં સુવિધાપથ યોજના હેઠળ રાજ્ય સરકારે માતબર ૬થી૭ કરોડનું ફંડ છેલ્લા ૩ વર્ષમાં ફાળવ્યું છે જેમાં સમગ્ર જીલ્લામાં સુવિધાપથ હેઠળ સરકારે નક્કી કરેલ ચોક્કસ ગાઈડ લાઇન મુજબ સિમેન્ટ રોડના કામ માટે દિશાનિર્દેશનો આપેલા છે પરંતુ માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો ઠેકેદારો પાસેથી કામ કરવવામાં નબળા પડતાં આર.સી.સી.રોડની ભયંકર દુર્દશા થવા પામી છે
જેમાં જામનગર તાલુકા સહિત ધ્રોલ,જોડિયા,લાલપુર,જામજોધપુર અને કાલાવડ વગેરે તાલુકાઓમાં આરસીસી રોડની કામગીરી થયેલ હોય આ સુવિધાપથ સિમેંટ રોડ બનાવ્યા બાદ નિયમ મુજબ આ રોડની કામગીરી ન થતાં અત્યારે આ રોડ નબળા પડી જતાં રોડ રીપેર કરવા માટે ગ્રામજનો દ્વારા વારંવાર ફરિયાદ કરી રહ્યા છે,
આમ સરકારે આધુનીક મશીનરીનો ઉપયોગ કરી સુવિધાપથ બનાવવા માટે પૂરતા નાણાં આપવા છતાં ગ્રામીણ પ્રજાને આ સુવિધાપથની સુવિધાનો જોઈએ એવો ફાયદો હજુ સુધી થવા પામ્યો નથી સરકારે સારા હેતુ સાથે ગ્રામીણ પ્રજાને સુવિધાપથની ભેટ આપવાનો હેતુ છે પરંતુ અધિકારીઓ અને ઠેકેદારો આ યોજનાનો દુરુપયોગ કરતાં હોવાથી સરકારની છબી ગ્રામીણ પ્રજામાં બગડતી હોવાનું છડેચોક ચર્ચાઇ રહ્યું છે.