mysamachar.in-જામનગર
મુખ્યમંત્રીના નામ સાથે જોડાયેલ ગ્રામીણ રસ્તાઓને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના નામ આપીને સરકાર નો પ્રજાને સુવિધા આપવાના ઉમદા ઉદેશ છે પરંતુ જામનગર જીલ્લામાં ધ્રોલ,જોડિયા,કાલાવડ,જામનગર તાલુકા આ યોજનાની કામગીરી સામે ફરિયાદો સાથે અનેક સવાલો પણ ઉઠ્યા છે ત્યારે જામજોધપુર અને લાલપુર તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના રોડની કામગીરીમાં ગંભીર બેદરકારી રાખવામા આવી હોવાનું સામે આવ્યું છે,
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રસ્તાની જામનગર જીલ્લામાં કેવી કામગીરી કરવામાં આવી છે તેના mysamachar.in માં અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જેને લઈને પ્રજામાંથી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની કામગીરી બાબતે ભારોભાર અસંતોષ વ્યકત કરીને તંત્રની ટીકા કરાઈ રહી છે,
તેવામાં પૂર્વ કૃષિમંત્રી ચીમનભાઈ સાપરીયાના મત વિસ્તાર જામજોધપુર અને લાલપુર તાલુકામાં પણ સરકારની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની કામગીરીની ગંભીર બેદરકારી સામે આવી છે,જેમાં જામજોધપુરના અમરાપરથી ઊભીધાર 3 કિમીનો રોડ ગત વર્ષ મંજૂર થયા બાદ કામગીરી પૂર્ણ થયેલ છે,આ રોડના કામમાં સુત્રોમાંથી મળતી વિગતો મુજબ GSB મટિરિયલ્સ જ વાપરવામાં આવ્યું નથી,તેમજ પરડવાથી ઊભીધાર રોડની કામગીરીમાં પણ આ મટિરિયલ્સ વાપરવામાં આવેલ ના હોવાનું સુત્રો જણાવે છે,
ખાસ કરીને આ મટિરિયલ્સ રોડની બન્ને સાઇડમાં તેમજ મેટલ કામ પહેલા અને માટીકામ ઉપર વાપરવાનું હોય છે,જે GSB મટિરિયલ્સ ન વાપરવાના કારણે રોડનું આયુષ્ય ઘટી જાય છે તેવું જાણકારોનું માનવું છે,
જ્યારે લાલપુર તાલુકાનાં દલતુંગીથી સેવક ભરૂડિયા રોડની કામગીરીમાં ડામર ઉખડી જતાં ગુણવત્તા નિયંત્રણ વિભાગ દ્વારા “U” ગ્રેડ આપીને આ રોડની આવી કામગીરી ન સ્વીકારવા લાયક હોવાનું જણાવતા છતાં ઈજનેરોએ આ કામગીરી સ્વીકારીને એજન્સી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું જાણવા મળે છે,
આમ જામનગર જીલ્લામાં ધ્રોલ,જોડિયા,કાલાવડ,જામનગર તાલુકામાં રસ્તાની કામગીરીની ફરિયાદ બાદ જામજોધપુર અને લાલપુર તાલુકાનાં કુલ ચાર રસ્તાની કામગીરી અંગે ગંભીર બેદરકારી રાખવામા આવી હોય તેવું સામે આવ્યું છે ત્યારે એક પછી એક જીલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના ઈજનેરોના કથિત ગેરરીતિઓના ગોટાળા ખૂલી રહ્યા છે.