Mysamchar.in-અમદાવાદ:
ઘણી વખત તબીબી તપાસ, પોલીસ તપાસ અથવા તો અકસ્માતની તપાસ કેટલાંક ભેદ ખોલી નાંખતી હોય છે, આવો એક તબીબી તપાસનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં તબીબી તપાસના આધારે પતિએ પોતાની પત્ની અને શ્વસુર પક્ષ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. અમદાવાદનો આ કિસ્સો વિચિત્ર કહી શકાય તેવો છે. એક પરિવારની મહિલા કોઈ કારણસર ગર્ભ ધારણ કરી શકતી ન હતી. તેણીનો પતિ સંતાન ઈચ્છતો હતો. વાત હોસ્પિટલ પહોંચી. હોસ્પિટલમાં મહિલાની સોનોગ્રાફી થતાં ભેદ ખૂલ્યો કે, આ મહિલા ગર્ભ ધારણ કરી શકે તેમ નથી. પતિના પગ નીચેથી, આ જાણીને જમીન સરકી ગઈ.
આ મહિલા માતા બની શકતી ન હોય પતિએ મેડિકલ તપાસ કરાવી. તપાસને અંતે જાહેર થયું કે, આ મહિલા ગર્ભ ધારણ કરવાની ઉંમર વટાવી ચૂકી છે. લગ્ન સમયે આ યુવતીની જે ઉંમર જાહેર કરવામાં આવેલી તે અને આ મહિલાની લગ્ન સમયની ખરી ઉંમર- એ બે વચ્ચે અમુક વર્ષનો ફેર હતો, એવું આ તબીબી તપાસમાં બહાર આવ્યું. આથી પતિએ પોતાની સાથે છેતરપિંડી થઈ છે, એ કારણ આગળ ધરીને પોતાની પત્ની અને પત્નીના પરિવારજનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી. લગ્ન સમયે આ યુવતીના પરિવારે એવું જાહેર કરેલું કે, યુવતીની ઉંમર 32 વર્ષ છે. તબીબી તપાસનો રિપોર્ટ કહે છે, આ યુવતીની ઉંમર લગ્ન સમયે 40 વર્ષથી વધુ હતી. આ લગ્ન જૂન, 2023માં થયા હતાં.
આ મામલામાં પતિની ઉંમર 34 વર્ષની છે. તે કહે છે, મને લગ્ન અગાઉ એમ કહેવામાં આવેલું કે, આ યુવતીની જન્મ સાલ 1991 છે. જેતે સમયે આ યુવકે યુવતીના શિક્ષણ અને ઉંમર અંગે યુવતીના પરિવારજનોને પુરાવાઓ આપવાની વારંવાર વિનંતી કરેલી પણ દરેક વખતે આ વાત યુવતીના પરિવારે ટાળી દીધી હતી. બાદમાં યુવતીના પરિવારે યુવતીનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને પાસપોર્ટની નકલો આપેલી જેને, જેતે સમયે અસલ માની લેવામાં આવેલ અને લગ્ન રજિસ્ટ્રેશન કરાવવામાં આવેલું.
આ સંબંધે પતિ કહે છે, થોડાં સમય અગાઉ મારી પત્ની તથા તેણીની ભાભીએ એક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. પરંતુ આ અંગે આ મહિલાએ પોતાના પતિને કોઈ વાત કરી ન હતી. ત્યારબાદ, પતિએ પોતાની પત્નીની સોનોગ્રાફી કરાવી, જેમાં એવો રિપોર્ટ આવ્યો કે, આ મહિલાની ઉંમર 40-42 વર્ષ આસપાસ હોય શકે છે. અને, તેણી આથી ગર્ભ ધારણ કરી શકે તેમ નથી. તે દરમિયાન પતિએ એ હોસ્પિટલનો રિપોર્ટ પણ મેળવી લીધો જ્યાં તેની પત્નીએ તપાસ કરાવેલી પરંતુ પતિને જાણ કરી ન હતી. આ બંને રિપોર્ટ કહે છે: આ મહિલા કુદરતી રીતે ગર્ભ ધારણ કરવાની ક્ષમતા ધરાવતી નથી કેમ કે, તેણી આ ઉંમર વટાવી ચૂકી છે.
આ બંને રિપોર્ટના આધારે પતિએ પોતાની પત્ની અને પત્નીના પરિવારના અન્ય 7 સભ્યો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી. ફરિયાદ બાદ આ મહિલાની પૂછપરછ પણ થઈ, તેણીએ છેતરપિંડીની વાત સ્વીકારી લીધી. માફી પણ માંગી. આ ઉપરાંત પતિએ આ સંબંધે 2 કલાકની એક ઓડિયો ક્લિપ રેકોર્ડ કરી છે, આ ક્લિપ પણ પોલીસમાં રજૂ કરવામાં આવી છે. આ સાથે પતિ એમ પણ કહે છે કે, તેની પત્ની અવારનવાર પિયર જતી અને અમુક ચીજવસ્તુઓ પોતાના પિયર લઈ ગઈ છે. આ બનાવે શહેરમાં ચકચાર મચાવી છે.(symbolic image source:google)