Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં આજે જેઓ 25-30 વર્ષના યુવા મતદારો છે એમને ખબર જ નથી કે, ગુજરાતમાં કોંગ્રેસનું શાસન એટલે શું ? કારણ કે, રાજ્યમાં 1995થી ભાજપાનું શાસન છે. એ પહેલાંના વર્ષો અને દાયકાઓમાં ગુજરાતમાં કોંગ્રેસે શાસનનો સુવર્ણયુગ ભોગવ્યો હતો. હવે 30 વર્ષ બાદ ફરી વખત, ગુજરાતમાં કોંગ્રેસ મજબૂતી સાથે ઉભી થવા મહેનત કરી રહી છે. આજથી બે દિવસ અમદાવાદ અને ગુજરાત કોંગ્રેસમય રહેશે. કેમ કે, પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં ચાલી રહ્યું છે. સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા સહિતના કોંગ્રેસના 3,000 નેતાઓ અમદાવાદમાં છે.
આ અધિવેશનની તકનો ભરપૂર લાભ લઈ કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં ફરીથી પક્ષને ઉભો કરવા મંથન કરશે, આકાશપાતાળ એક કરશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા. સાંસદ પ્રિયંકા ગાંધી આવતીકાલે અધિવેશનમાં જોડાશે. ગુજરાત કોંગ્રેસના તથા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ આજે સવારે સોનિયા અને રાહુલ ગાંધીને એરપોર્ટ પર ભવ્ય આવકાર આપ્યો. આ તકે ગુજરાતનું પરંપરાગત આદિવાસી નૃત્ય કલાકારો દ્વારા રજૂ થયું.
અમદાવાદ ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠક અગાઉ સોનિયા તથા રાહુલ ગાંધી ઉપરાંત પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સરદાર પટેલ સ્મારક ખાતે ગયા હતાં જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલને શ્રધ્ધાંજલિ અર્પણ કરી અને બાદમાં CWCની બેઠકમાં પહોંચ્યા.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતાં તેની 100મી વર્ષગાંઠ આ વર્ષે છે. અને, આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ હોય, કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આ વર્ષે ગુજરાતમાં આયોજિત કરવામાં આવ્યું છે. આ અધિવેશનમાં કોંગ્રેસના 1,725 રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાઓ જોડાયા છે. જેમાં ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપરાંત પક્ષના સાંસદો અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓનો પણ સમાવેશ થાય છે. જો આ અધિવેશનમાં થયેલું મંથન ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી જિવંત બનાવી શકશે તો, પક્ષ માટે આ નોંધપાત્ર સમય પૂરવાર થઈ શકશે, એમ રાજકીય નિરીક્ષકો કહી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસે ઘણું ધ્યાન આપવું પડશે.