Mysamachar.in-ગાંધીનગર:
1960માં ગુજરાત રાજયની સ્થાપના થઈ અને રાજયના પનોતા પુત્ર- દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જાહેર સન્માન જાળવવા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી દાખલ કરવામાં આવી. હવે આ ભાવનાને પાટનગરવટો આપી દેવામાં આવ્યો છે. 63 વર્ષ પછી, પાટનગર ગાંધીનગરના ગિફ્ટ સિટીને ‘મોજ’ સેન્ટર જાહેર કરતો ઐતિહાસિક નિર્ણય થયો છે. અહીં હવે પેગ ભરી શકાશે, ચિયર્સ કરી શકાશે- અહીં મહેફિલો પર, ખાખી દંડૂકડી પછાડી શકશે નહીં.
CM પટેલ અચાનક દિલ્હી ગયા, PM સાથે મોડી રાત સુધી બેઠાં. પરત ગુજરાત આવ્યા અને આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો. હવે ગિફ્ટ સિટીમાં અધિકૃત કર્મચારીઓ અને મુલાકાતીઓ વિવિધ પ્રકારના શરાબની મોજ માણી શકશે. અહીં વાઈન એન્ડ ડાઈનની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
સરકારના આ નિર્ણય બાદ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ટીપ્પણીઓ, જોકસ, મીમ્સ અને કાર્ટૂનનો દરિયો ઉમટયો છે. અત્યાર સુધી રાજયની દારૂબંધી નીતિને ખોખલી અને નિષ્ફળ લેખાવવામાં આવતી હતી, હવે આ નીતિને સરાજાહેર દંભી પણ કહેવામાં આવી રહી છે. ગાંધી વિચારધારામાં શ્રધ્ધા ધરાવનારાઓ અને ગાંધી પ્રત્યે અહોભાવ અને લાગણીઓ ધરાવનારા કરોડો ગુજરાતીઓને સરકારના આ નિર્ણયથી ભારે આઘાત લાગ્યો છે.
જો કે, નવી પેઢીના ઘણાં લોકો અને જૂના પ્યાસીઓ આ નિર્ણયને ગ્લોબલાઈઝેશનના અને બિઝનેસ ડેવલપમેન્ટના એક અનિવાર્ય હિસ્સા તરીકે પણ જૂએ છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર મિશ્ર પ્રતિભાવો વ્યક્ત થઈ રહ્યા છે. ઘણાં લોકો સમગ્ર મામલાને હળવાશથી પણ લઈ રહ્યા છે જ્યારે ઘણાં લોકો આકરી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક વાત નક્કી છે, પરિવર્તન સંસારનો નિયમ છે અને પરિવર્તનોને અટકાવી પણ શકાતા નથી. સમયે સમયે બધું જ બદલાય.