Mysamachar.in-બનાસકાંઠા:
ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતમાં દુર્ઘટનાઓ ઉપરાઉપરી બની રહી છે. ફેકટરીઓમાં કામ કરી રહેલાં નિર્દોષ કામદારોની જિંદગીઓ આગમાં ભૂંજાઈ રહી છે. છતાં પણ અફસોસની અને કરૂણ વાત એ છે કે, ઉદ્યોગ જગતમાં ફાયર પ્રિવેન્શન સહિતની ઔદ્યોગિક સલામતી અને સુરક્ષાની બાબતને ગંભીર લેખવામાં આવતી નથી. મોકડ્રીલ સહિતની કવાયતો પછી પણ, ઉદ્યોગ જગતમાં દુર્ઘટનાઓ ટાળી શકવામાં સફળતાઓ મળી નથી. જે દર્શાવે છે કે, આ સંબંધે સૌએ નવેસરથી વિચારવું ફરજિયાત બની ગયું છે.
આ પ્રકારની વધુ એક દુર્ઘટના બટાકાનગરી ડીસા પંથકમાં બની. ડીસા નજીક આવેલાં ઢુંવા રોડ પર ફટાકડાની એક ફેકટરી છે. આ ફેકટરી દિપક ટ્રેડર્સ નામ હેઠળ ચલાવવામાં આવે છે. જેના માલિકનું નામ ખૂબચંદ છે. આ ફેકટરીમાં વિસ્ફોટકો લાવી ફટાકડા બનાવવાની કામગીરીઓ થતી હતી. તે દરમિયાન, આજે આ ફેકટરી તથા તેના ગોદામમાં ભયાનક આગ ફાટી નીકળી. બિનસતાવાર વિગતો અનુસાર, ફેકટરીના 7 કામદારોનો આ ભીષણ આગમાં ભોગ લેવાયો છે.
આ આગમાં 40 ટકાથી વધુ દાઝી ગયેલા અન્ય 5 કામદારોને ડીસાની સિવિલ હોસ્પિટલમાં તાકીદની સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં મોતનો આંક વધવાની પણ શકયતાઓ છે. વિસ્ફોટકોના ધડાકા એટલાં પ્રચંડ હતાં કે ભૂક્કો બોલી ગયેલા ગોદામનો સામાન 200 મીટર દૂર સુધી ફેંકાયેલો છે. ફેકટરીની બાજુના ખેતરમાં માનવશરીરના અંગો અને માંસના લોચા ફેંકાયા છે. રાહતબચાવ કામગીરીઓ યુદ્ધના ધોરણે થઈ રહી છે. બધાં જ સંબંધિત અધિકારીઓ આ દુર્ઘટનાની જાણ થતાં બનાવના સ્થળે દોડી ગયા. પ્રાથમિક માહિતીઓ એવી છે કે, શરૂઆતમાં એક બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. પછી ફટાકડા બનાવી રહેલાં કામદારો ભયાનક આગની લપેટમાં આવી ગયા. મંગળવારનો દિવસ અહીં ભયંકર રીતે અમંગળ સાબિત થયો.