Mysamachar.in-જામનગર :
જામનગર નજીકના લાખાબાવળ ગામનો સર્વે નંબર ધરાવતી ગૌચરની એક જમીન જામનગરના ત્રણ શખ્સોએ પચાવી પાડ્યાના મુદ્દે તંત્રએ આ આરોપીઓ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગની ફરિયાદ દાખલ કરાવી છે. આ ફરિયાદ જામનગર ગ્રામ્યની મામલતદાર કચેરીના અધિકારી દ્વારા દાખલ કરાવવામાં આવી છે.
જામનગર ગ્રામ્યની મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજભદ્રસિંહ ભરતસિંહ રાણાએ આ ફરિયાદ જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે, જેમાં લેન્ડગ્રેબિંગ સંબંધિત કલમ-4(3), 5(ક) અને 5(ગ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને, આરોપીઓમાં હરેશ લક્ષ્મીદાસ સોની, પ્રવિણ હસમુખ ખરા અને દિનેશ ચરણદાસ પરમારનો સમાવેશ થાય છે.

લેન્ડગ્રેબિંગની આ ફરિયાદમાં કહેવાયું છે કે, આરોપી દિનેશ પરમારે માઈશ્રી રમાબાઈ આંબેડકર સોશિયલ એન્ડ વેલ્ફેર સોસાયટીના હોદ્દેદારની હેસિયતથી તંત્ર સમક્ષ એક અરજી કરી હતી. આ અરજીમાં જણાવાયું હતું કે, તેમને લાખાબાવળ ગામના સર્વે નંબર 323 પૈકીની 3 હેક્ટરથી વધુ વિસ્તાર ધરાવતી એક જમીન રહેણાંક હેતુ માટે જોઈએ છે. ત્યારબાદ આ આરોપીએ તંત્રને એમ જણાવ્યું કે, સોસાયટીને આનુસાંગિક કારણોસર આ જમીન હવે તેઓ ખરીદવા ઈચ્છતા નથી. આથી તંત્રએ આ આખો મામલો દફતરે કરી દીધો એટલે કે ક્લોઝ કરી દીધો.

ત્યારબાદ આ 3 આરોપીઓએ સાથે મળી લાખાબાવળ ગામના અન્ય એક સર્વે નંબર 326વાળી એક જમીન પોતાની ન હોવા છતાં પોતાની છે એમ દેખાડી પ્લોટિંગ કરી નાંખ્યુ. ફરિયાદ અનુસાર, સરકારી રેકર્ડ પર આ જમીન સરકારી માલિકીની ગૌચરની જમીન છે. આ સરકારી જમીન આ 3 આરોપીઓએ આર્થિક લાભ મેળવવા પચાવી પાડી હોવાનું સર્કલ ઓફિસરે ફરિયાદમાં જણાવ્યું છે. આ સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાન પર લઈ મામલાની તપાસ લાલપુર ASPને સોંપવામાં આવી છે.(symbolic image)
