Mysamachar.in-ગાંધીનગર:
કલાસમાં અળવીતરાં છોકરાઓને શિસ્ત શીખવાડવા શિક્ષક અને મોનિટર દ્વારા જાતજાતની સૂચનાઓ આપવામાં આવતી હોય છે, આંખ કાઢી ડરાવવામાં આવતાં હોય છે, ઉભા રાખવામાં આવતાં હોય છે, પગના અંગૂઠા પકડાવવામાં આવતાં હોય છે અને ખાસ કિસ્સાઓમાં પગની ઉઘાડી પિંડી પર સોટીથી પ્રહાર પણ કરવામાં આવતો હોય છે.
કોઈ પણ રાજ્યની વિધાનસભામાં અધ્યક્ષ ‘શિક્ષક’ હોય છે અને કલાસના ‘મોનિટર’ની ભૂમિકા દંડકે ભજવવાની હોય છે. ગુજરાત વિધાનસભાના શિક્ષકે મોનિટરને કહ્યું: ‘છોકરાઓ’ સખણાં રહે તે માટે લેખિતમાં સૂચનાઓ આપી દો. અહીં પ્રશ્ન એ છે કે, આ છોકરાઓ કલાસમાં અશિસ્ત આચરતા હતાં ?! તો જ આવી સૂચનાઓ આપવી પડી હશે. બધાં ધારાસભ્ય તોફાની ન હોય, અમુક અળવીતરાં હોય, તેને માપમાં રાખવા- સૂચનાઓ આપવી પડે. સોટી પણ ઉગામવી પડે.
વિધાનસભામાં અધ્યક્ષની સૂચનાથી દંડકે ધારાસભ્યોને બે પાના ભરીને સૂચનાઓ આપવી પડી ! તેમાં લખાયેલું છે: ગૃહમાં લાકડી લાવવી નહીં, સૂઈ જવું નહીં, મોબાઈલ લાવવો નહીં, પાન ચાવવું નહીં, સ્મોકિંગ કરવું નહીં, જગ્યા પર બેસતી અને જગ્યા છોડતી વખતે અધ્યક્ષને નમન કરવું, પુસ્તક કે અખબાર વાંચવું નહીં, પાણી અથવા કોઈ પણ પીણું લેવું નહીં, મંત્રીઓને અગાઉથી જાણ કર્યા વગર તેમના પર બદનક્ષીવાળો આક્ષેપ મૂકવો નહીં, એકસાથે કાળા કપડા પહેરવા નહીં, કોઈ પણ વસ્તુનું પ્રદર્શન કરવું નહીં,ભાષણમાં ખલેલ પહોંચાડવી નહીં, સિસકારા બોલાવવા નહીં, અધ્યક્ષને અગાઉથી દેખાડયા વગર કોઈ કાગળ વાંચવો નહીં, ગૃહમાં અધ્યક્ષના નિર્ણય સામે ટીકા કરવી નહીં. આ પ્રકારની સૂચનાઓ અપાતાં ગૃહની બહાર ધારાસભ્યો જાતજાતની ચર્ચાઓમાં વ્યસ્ત જોવા મળતા હતાં. સવાલ એ છે કે, આ બધી સૂચનાઓનું પાલન કરાવી શકાશે ? બબાલ નહીં થાય ?…