Mysamachar.in-જામનગર:
સરકારોને નવી નવી યોજનાઓના અમલનું શૂરાતન ચડતું હોય છે, જો કે પછી આવી મોટાભાગની યોજનાઓ તંત્રો ભૂલી જતાં હોય છે. દાખલા તરીકે, જામનગર વીજતંત્ર હેઠળના વિસ્તારોમાં અન્ડર ગ્રાઉન્ડ વાયરીંગની યોજના અભેરાઈ પર ચઢાવી દેવામાં આવી. એ જ રીતે સલામતીના કારણોસર ઘરે ઘરે વીજતંત્ર દ્વારા અર્થિંગ માટેની યોજના શરૂ કરવામાં આવેલી, તેનું પણ બાળમરણ થયું છે. જામનગર ગ્રાહક સુરક્ષા મંડળે તંત્રને ફરી આ યોજનાની યાદ અપાવી છે.
મંડળના મંત્રી કિશોર મજીઠીયાએ આ અંગે સરકારમાં રજૂઆત કરી છે. આ રજૂઆત રાજ્યના ઉર્જામંત્રી સહિત સૌ સંબંધિતોને મોકલવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, અમારી સંસ્થા છેલ્લા પાંચ વર્ષથી, જામનગર અને દ્વારકા જિલ્લાઓમાં વીજગ્રાહકોને ત્યાં વીજતંત્ર દ્વારા અર્થિંગ લગાવવા અંગે રજૂઆત કરવામાં આવે છે. આ ખૂબ ઉપયોગી વ્યવસ્થા છે અને ગ્રાહકનો અધિકાર પણ છે. કારણ કે આખો મામલો વીજસલામતીનો છે. તંત્ર આ બાબતે ધ્યાન આપવાને બદલે સ્માર્ટ વીજમીટર લગાવવા ઉતાવળ કરી રહ્યું છે.

કિશોર મજીઠીયાએ આ રજૂઆતમાં કહ્યું છે કે, ત્રણેક વર્ષ અગાઉ વીજતંત્રએ કોન્ટ્રાક્ટર દ્વારા ઘરેઘરે અર્થિંગ લગાવવા માટેની કામગીરીઓ શરૂ કરી હતી. આજે સ્થિતિ એ છે કે, મોટાભાગના ઘરો સુધી આ યોજના પહોંચી નથી. જેથી આગ અકસ્માત કે વીજપૂરવઠાનું દબાણ વધઘટ થવા સામે ગ્રાહકને જે રક્ષણ મળવું જોઈએ તે મળતું નથી. આ કારણોસર ગરીબ અને મધ્યમવર્ગના ગ્રાહકોને ત્યાં જ્યારે આ પ્રકારના બનાવો બને છે ત્યારે, તેઓએ વીજ ઉપકરણો બળી જવાની મોટી નુકસાની સહન કરવી પડી રહી છે.
સલામતી વીજગ્રાહકોનો અધિકાર હોવા છતાં વીજતંત્ર બેદરકાર રહી, વર્ષોથી આ યોજના આગળ ધપાવતું નથી અને બીજી તરફ સ્માર્ટ વીજમીટર અંગે ઉતાવળ દેખાડી રહ્યું છે. ખરેખર તો વીજતંત્રએ અર્થિંગની આ યોજનાનું પછી શું થયું ? કોન્ટ્રાક્ટરને કેટલું ચૂકવણું કરવામાં આવ્યું ? વગેરે બધી જ બાબતો અખબારી યાદી દ્વારા લોકોની જાણમાં મૂકવી જોઈએ.
સ્માર્ટ વીજમીટરના ફાયદાઓ સમજાવતા વીજતંત્રએ ખરેખર તો, અર્થિંગ ન થવાથી વીજગ્રાહકોને જે નુકસાન થઈ રહ્યું છે તે અંગે લોકોને જાગૃત કરવા ફરજ બજાવવી જોઈએ તો નુકસાન અટકાવી શકાય. આ સમગ્ર વિષય અંગે ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોર મજીઠીયાએ વીજતંત્ર પાસેથી સઘળી વિગતો માંગી છે. જો કે, વીજતંત્રના આધારભૂત સૂત્ર જણાવે છે કે, વીજતંત્ર આ યોજના ભૂલી ગયું છે ! અથવા, વીજતંત્રને આ યોજનામાં જાણે કે રસ જ નથી.
