Mysamachar.in-અમદાવાદ:
આજથી 6 વર્ષ અગાઉ 2018 માં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા પાસેના સલાયા નજીકથી સાડા પાંચ કિલો હેરોઈનનો જથ્થો ઝડપાયો હતો. રાજ્યના પોલીસવડાએ ગુજરાત ATS ને આપેલી સૂચનાને આધારે, આ ઓપરેશન સલાયા નજીકના સોડસલાની સીમમાં આવેલી એક વાડીમાં પાર પાડવામાં આવેલું. અને, દાઉદ હાજી નામના એક શખ્સને જેતે સમયે ATS ઉપાડી ગયું હતું.
બાદમાં એવું બહાર આવેલું કે, આ ડ્રગ્સ પંજાબ સહિતના રાજ્યોમાં સપ્લાય કરવાનું હતું. આ સમગ્ર ઓપરેશન અને તપાસ દરમિયાન ગુજરાત ATS અને નેશનલ ઈન્વેસ્ટીગેશનએજન્સી-NIA દ્વારા ઘણાં બધાં શખ્સોની ધરપકડ કરવામાં આવેલી. NIA દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ માત્ર ડ્રગ્સ બિઝનેસ નથી. મોટું ષડ્યંત્ર છે. આ ષડયંત્રનો એક છેડો કાશ્મીર આતંકવાદ સાથે પણ સંકળાયેલો છે.
સલાયાના આ ડ્રગ્સ પ્રકરણમાં 25 નંબરનો જે આરોપી છે, તેનું નામ મનોજ શર્મા છે. તેના વિરુદ્ધ NIA દ્વારા આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે. આ શખ્સ મની લોન્ડરીંગ સાથે સંકળાયેલો છે. આ શખ્સ ઈટાલી, ઓસ્ટ્રેલિયા, થાઇલેન્ડ, ઈરાન, અફઘાનિસ્તાન, યુએઈ અને પાકિસ્તાનમાં કાર્યરત સિન્ડકેટ સાથે સંકળાયેલો છે. સલાયામાં ઝડપાયેલું હેરોઈન વહાણ મારફત પાકિસ્તાનથી લાવવામાં આવેલું અને રસ્તાઓ મારફતે પંજાબ સહિતના રાજ્યોમાં ઘુસાડવાનું હતું.
મનોજ શર્મા જે સિન્ડિકેટ સાથે સંકળાયેલો છે તે સિન્ડિકેટમાં પાકિસ્તાનનો હાજીસાબ ઉર્ફે ભાઈજાન નામનો શખ્સ અને ઈટાલીમાં ડ્રગ્સ કારોબાર ચલાવતો સિમરનજિતસિંઘ સંધુ પણ સંકળાયેલો છે. આ સિન્ડિકેટમાં ઓસ્ટ્રેલિયન માફિયા ગેંગ પણ છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જેતે સમયે એવું જાહેર થયેલું કે, સોડસલાની એક વાડીમાંથી 5.5 કિલોગ્રામ ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો છે. પરંતુ બાદમાં જાહેર થયું કે, આ ખેપમાં પાકિસ્તાનથી 500 કિલોગ્રામ ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યું હતું. જેતે સમયે દ્વારકા પોલીસની જાણ બહાર ગુજરાત ATS સલાયામાં ત્રાટકયું ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સનસનાટી મચી ગયેલી. NIA દ્વારા આ કેસમાં અત્યાર સુધીમાં 7 ચાર્જશીટ દાખલ થયા છે, સાતમા પૂરવણી ચાર્જશીટમાં મનોજ સુરેન્દ્રપાલ શર્મા વિરુદ્ધની કાર્યવાહીઓ શરૂ થઈ છે.(symbolic image source:google)