Mysamachar.in-અમદાવાદ:
આમ તો શિયાળાની શરૂઆત રાજ્યમાં થઇ ચુકી છે અને ઠંડીનો ચમકારો પણ વર્તાઈ રહ્યો છે, એવામાં ગુજરાતમાં ઠંડીની જગ્યાએ માવઠું પડવાની આગાહી આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદ બાદ ધીરે ધીરે ઠંડીનો પારો ગગડવાની આગાહી પણ કરવામાં આવી છે,.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. આ 5 દિવસમાં વરસાદ થવાની શક્યતા નથી. પરંતુ છઠ્ઠા અને સાતમા દિવસે ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, છઠ્ઠા દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. જ્યારે સાતમા દિવસે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી હળવો વરસાદ થવાની શક્યતા છે.