Mysamachar.in-
આજે શાસકપક્ષ ભાજપામાં પક્ષના હિતોની ચિંતાઓ કરતો એક એક આગેવાન, પદાધિકારી અને નાનામાં નાનો કાર્યકર્તા પણ ચિંતિત છે, તેનાં મનમાં અમંગળનો ભય છે, આટલી કેડરબદ્ધ અને શિસ્તબદ્ધ પાર્ટીમાં, આટલી આંતરિક લડાઈઓ ?અને, એ પણ જાહેરમાં ? અખબારો અને સમાચાર ચેનલોમાં સતત ચમકતાં પક્ષમાંના આ વિવાદોથી સમગ્ર પક્ષ ચિંતિત છે. ખુદ પ્રદેશ અધ્યક્ષને પણ અવગણવામાં આવે છે અને પક્ષના તથા દેશના સુપ્રિમો મોદીના નંબર ટુને પણ પક્ષમાંથી પડકાર અપાઈ રહ્યાની સ્થિતિ પક્ષના એક એક કાર્યકર્તાને સતાવી રહી છે, તેઓ એવી આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે, પાર્ટીમા આંધી આવશે ?! હાલની સ્થિતિ વંટોળિયા પહેલાંની સ્થિતિ છે ?! અને, એટલો જ મહત્ત્વનો મુદ્દો એ છે કે, પક્ષ સૌથી વધુ મજબૂત ગુજરાતમાં છે, પક્ષ અને સરકાર ગુજરાતીઓના કબજામાં છે, ત્યારે જ પક્ષમાં ગુજરાતમાં ડખ્ખાપંચક ?! આ ચિંતાઓ ગુજરાત ભાજપામાં સૌને છે.
એક તરફ રાજ્યમાં લોકસભા ચૂંટણીઓ હમણાં ગઈ, હજુ પરિણામ બાકી છે. બીજી તરફ દેશભરમાં લોકસભા ચૂંટણીઓ હજુ ચાલી રહી છે, મોદી-શાહ તેમાં અતિ વ્યસ્ત છે, એવા સમયે ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષના હાથમાંથી પક્ષ પરની પક્કડ ઢીલી પડી રહી છે. જો મોદી-શાહ તાકીદે કોઈ મોટું ઓપરેશન અથવા કોઈ મોટી ગોઠવણ નહીં કરે તો, લોકસભા ચૂંટણીઓના પરિણામ સુધીમાં, પરિણામ બાદ, આ તણખાં આગ પેદાં કરે તો ?! આ પ્રશ્ન ભાજપામાં અને ભાજપાની બહાર સૌ શુભેચ્છકોને સતાવી રહ્યો છે.
ઉપલાં લેવલે ભાજપાના પીઢ અને શક્તિશાળી પાટીદાર નેતા દિલીપ સંઘાણી અને પ્રદેશ અધ્યક્ષ પાટિલ વચ્ચે ચકમક ઝરી રહી છે. અન્ય શક્તિશાળી અને આક્રમક, યુવા પાટીદાર નેતા રાદડીયા, પક્ષને ખરીખરી જાહેરમાં સંભળાવી રહ્યા છે, ગુજરાતીમાં કહીએ તો બેઝબોલનો મજબૂત ધોકો પછાડી રહ્યા છે. અમરેલીના ભાજપા નેતા કાછડીયા ‘ઉંચા’ અવાજે ખોંખારો ખાઈ રહ્યા છે, સંભવિત પરિણામોથી ડરી પણ નથી રહ્યા. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના માણાવદરના તથા સોરઠના શક્તિશાળી નેતા જવાહર પણ બહારવટે ચડવા જાણે કે ઘોડો પલાણી રહ્યા હોય, એવો ઘાટ છે. આ બધું અચાનક ?! કે, એક મોટી ગેમના આ બધાં પાર્ટસ ?! સર્વત્ર દહેશત.
સૌરાષ્ટ્રમાં સહકારી નેતાઓએ ભાજપાના મેન્ડેટ સામે અસહકાર દેખાડ્યો છે, દેશના સહકાર મંત્રી અમિત શાહ હોવા છતાં ! 65,000 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ધરાવતી દેશની સૌથી મોટી સહકારી સંસ્થા IFFCO સંઘાણીના ફરીથી કબજામાં. રાદડીયા પણ તેમાં વટથી ઘૂસી ગયા. પક્ષને પડકારીને ! અને જાહેરમાં બોલે છે: હું બળવાખોર કેવી રીતે ? IFFCO માં પહેલાં મેં ફોર્મ ભરેલું પછી બિપીન પટેલ આવ્યા, આમાં મેન્ડેટ ન હોય. અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ રાજકોટ લોધિકા સંઘમાં પણ બબાલ થઈ હતી. IFFCO ના બોસ સંઘાણીએ પાટિલને સંભળાવી દીધું કે, સવારે કોંગ્રેસમાં અને બપોરે ભાજપમાં આવી ટિકિટ મેળવે તેને ઈલુ ઈલુ કહેવાય. સંઘાણી ચેરમેન બન્યા તો, બિપીન પટેલે કટાક્ષ સાથે અભિનંદન આપ્યા. અને એ પણ ઉલ્લેખનિય છે કે, રાદડીયા ફેકટર પક્ષમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલાં ઘણાં નેતાઓને પ્રેરણા આપશે તો ?!
બીજી તરફ નારણ કાછડીયાના નિવેદન આવી રહ્યા છે. તેઓ કહે છે: ભાજપાએ મતદારોનો દ્રોહ કર્યો, કાર્યકર્તાઓમાં નિરાશા છે. બે શબ્દ બોલતાં ન આવડે તેને પક્ષે અમરેલીમાં ટિકિટ આપી દીધી. ભાજપાના જૂના કાર્યકરો પરસેવો પાડે અને કોંગ્રેસના નેતાઓ સ્ટેજ પર બિરાજે. ભાજપા પાસે નેતા, સતા અને સંગઠન બધું જ હોવા છતાં કોંગ્રેસ કેમ હંફાવે છે ? અમરેલીમાં બે ધારાસભ્યોનું જૂથ અને સાંસદ ઘણાં સમયથી આમને-સામને છે.
અને, જૂનાગઢ જિલ્લામાં પણ બબાલ. માણાવદર ભાજપાના ઉમેદવારે પ્રદેશ ભાજપાના અધ્યક્ષને પત્ર લખ્યો કે, પૂર્વ મંત્રી જવાહર ચાવડાના પુત્રએ ભાજપાને હરાવવા ખુલેઆમ પક્ષની વિરુદ્ધ પ્રવૃતિઓ કરી. કેન્દ્રીય પ્રધાન માંડવિયા અને મારાં નામજોગ ઉલ્લેખ કરી, કોંગ્રેસને જિતાડવા કાર્યક્રમ યોજેલો. અહીં અરવિંદ લાડાણી (પત્ર લખનાર) ભાજપાના વિધાનસભાના ઉમેદવાર છે.
આમ અમરેલી-જૂનાગઢ અને પ્રદેશ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ભાજપાના અમિત શાહ સુધીના નેતાઓ સામે પક્ષમાંથી જ પડકારો ઉભા થઈ રહ્યા છે. અને લોકસભા ચૂંટણીઓનું પરિણામ હજુ બાકી છે. પરિણામો પક્ષની મજબૂત ફેવરમાં નહીં આવે તો, તણખાં આગ પણ બની શકે એમ રાજકીય નિરીક્ષકો કહી રહ્યા છે.