Mysamachar.in-ગાંધીનગર:
રાજયની લાંચ રૂશવત વિરોધી શાખાએ એક નિવૃત અધિકારી સહિત કુલ 3 અધિકારીઓ વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિઓ મેળવવાના ગુનાઓ દાખલ કરતાં સરકારી વર્તુળોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. જેમાં પાટનગર ગાંધીનગર ખાતે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનરનો હોદો શોભાવતા એક સિનિયર અધિકારીનો પણ સમાવેશ થાય છે.
ગુજરાત ACB એ જાહેર કરેલી વિગતો અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના તત્કાલીન નાયબ કલેક્ટર કે જેઓ હાલ રાજયના પંચાયત ગ્રામ ગૃહ વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર છે તે સુનિલકુમાર વસાવા વિરુદ્ધ રૂ. 88.84 લાખની અપ્રમાણસર સંપત્તિઓ ધરાવવાનો ગુનો દાખલ થયો છે. તેઓ હાલ રેન્ક વનના અધિકારી છે. તેઓએ વર્ષ 2008 થી 2018 દરમિયાન પોતાની સતાનો ગેરલાભ ઉઠાવી પોતાની કાયદેસરની આવકની સરખામણીએ 59.26 ટકા વધુ મિલ્કત મેળવી હોવાનો ગુનો દાખલ થયો છે.
આ ઉપરાંત ગોધરાના તત્કાલીન સિનિયર ફૂડ સેફટી ઓફિસર (હાલ નિવૃત) અશોક પટેલે 2002 થી 2019 દરમિયાન રૂપિયા 20.73 લાખની અપ્રમાણસર સંપત્તિ અને મિલ્કત વસાવી હોવાનો ગુનો દાખલ થયો છે. આ સાથે જ, અરૂણ પટેલ વિરુદ્ધ પણ આ પ્રકારનો ગુનો દાખલ થયો છે. તેઓ મહુવાના તત્કાલીન સર્કલ ઓફિસર હતાં તે દરમિયાન તેઓએ જે અપ્રમાણસર સંપત્તિઓ મેળવી હતી તે સંબંધે ગુનો દાખલ થયો છે. આમ વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3 ના કુલ 3 અધિકારીઓ વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિઓ અને મિલ્કતો વસાવવાના આ ગુનાઓ દાખલ થતાં રાજ્યભરમાં ભારે ચકચાર મચી છે.