Mysamachar.in-કચ્છ:
ચોરીની એક એવી વારદાત કચ્છમાંથી સામે આવી છે જે આશ્ચર્ય પમાડે તેવી એટલા માટે છે કે ખુદ પોલીસકર્મીઓના ઘર જ સુરક્ષિત ના હોય તો સ્થાનિક લોકોના ઘર શું સુરક્ષિત હોય, થોડા સમય પૂર્વે કચ્છના એક DYSPના ઘરમાંથી ચોરીની ઘટના સામે આવી હતી ત્યાં જ વધુ એક વખત તસ્કરોએ પોલીસલાઈનમાં પોલીસકર્મીના ઘરને નિશાન બનાવતા મામલાએ ચર્ચા જગાવી છે.
શહેર એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ, કોમલબેન નિકુંજદાન રતનદાન ગઢવીએ જણાવ્યું કે, તેમના 36 ક્વાર્ટર પોલીસ લાઈનમાં આવેલા મકાન નંબર 120/Bને કોઈ અજાણ્યા તસ્કરોએ નિશાને બનાવ્યું હતું. બંધ મકાનના પાછલા દરવાજેથી કોઈ શખ્સોએ પાટીયુ તોડીને પ્રવેશ કરી દરવાજાનો નકુચો ખોલી અંદરના રૂમમાં રહેલા લોખંડના કબાટના દરવાજાને લોખંડના ઓજારથી તોડ્યો હતો અને બે લોકરમાંથી આશરે નવ તોલા સોનાના વિવિધ દાગીના કિંમત રૂપિયા 2.70 લાખ તેમજ 5000 રોકડા મળી કુલ 2.75 લાખની રકમની ચોરી કરી હતી.ફરિયાદી મહિલાના પતિ નિકુંજદાનને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હાલમાં નારાયણ સરોવર પોલીસમાં લેવાયા હતા ત્યારે જ આ બનાવ બન્યો છે. 2 દિવસની પોલીસની આંતરિક તપાસ બાદ આખરે ગુનો દાખલ કરી તપાસ શરુ કરવામાં આવી છે.

























































