Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના ચોખંડા ગામે રહેતા પબા ડોસાભાઈ ભાટુ નામના શખ્સ દ્વારા મૂળ ચોખંડાના અને હાલ જામનગર ખાતે રહેતા કારૂભાઈ સામતભાઈ હરિયાણી નામના એક આસામીની જમીન પર અનધિકૃત રીતે કબજો જમાવી રાખતા આ અંગે ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આ ફરિયાદમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ભાણવડ તાલુકાના ચોખંડા ગામે આવેલી સર્વે નંબર 563/1 (જુના સર્વે નંબર 105/1) ની હે. 1-40-17 ચોરસ મીટરની ખેતીની જમીન આજથી આશરે 45 વર્ષ પૂર્વે સામતભાઈ હરિયાણી નામના એક આસામીએ તેઓની વડીલોપાર્જિત જમીન પાબા ડોસા ભાટુ અને જેસા ડોસા ભાટુને વાવવા માટે આપી હતી. જે પૈકી જેસાભાઈ આજથી આશરે એક વર્ષ પૂર્વે અવસાન પામ્યા છે અને હાલ ફરિયાદી કારૂભાઈ સામતભાઈ હરિયાણીની સંયુક્ત ખાતાની વડીલોપાર્જીત ઉપરોક્ત જમીન પબાભાઈ ડોસાભાઈ ભાટુએ ખાલી ન કરી અને ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાખવામાં આવ્યો હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું છે.
જમીનની બજાર કિંમત હાલ આશરે રૂપિયા 45 લાખ જાહેર કરવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસે કારૂભાઈ હરિયાણીની ફરિયાદ પરથી પબાભાઈ ભાટુ સામે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ (લેન્ડ ગ્રેબિંગ)ની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા હાથ ધરવામાં આવી છે.