Mysamachar.in:છોટા ઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં મોટા કડાકાભડાકા જોવા મળી રહ્યા છે. થોડાં દિવસો પહેલાં, એક IAS અધિકારીએ શિક્ષણને સડેલું લેખાવ્યા પછી હવે ખુદ શાસકપક્ષનાં મહિલા સાંસદે સ્થાનિક મહિલા કલેકટર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે ! ગંભીર આક્ષેપ એવો છે કે, કલેકટર કચેરીમાં નાણાંની બોલબાલા છે ! ખુદ શાસકપક્ષનાં નેતા આમ કહે છે એટલે મામલાની ગંભીરતા વધી જવા પામી છે. છોટાઉદેપુરનાં સાંસદ ગીતાબેન રાઠવાએ કલેકટર સ્તુતિ ચારણને પત્ર લખ્યો. પત્રમાં જણાવ્યું છે કે, આપની કચેરીમાં પૈસા વિના કોઈ કામ થતાં નથી ! આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે.
સાંસદ ગીતાબેન પત્રમાં લખે છે : મહેસૂલ શાખા અને જમીન માપણી વિભાગમાં ગંભીર ફરિયાદો છે અને આપ બેપરવાહ છો ! જિલ્લાની પ્રજા આખરે જાય ક્યાં ? આપ જિલ્લાના વડા છો. આપનાં હસ્તકની કચેરીમાં રૂપિયાની લેતીદેતી વિના કોઈ કામ થતાં નથી ! મહેસૂલ શાખામાં ખેડૂતોએ ખરાઈના દાખલા માટે લાખો રૂપિયા આપવા પડે છે ! એક પ્રતિષ્ઠિત નિવૃત્ત કર્મચારીએ આ વિગતો સાંસદ સમક્ષ મૂકી છે. ઓનલાઇન અરજી પછી પણ જમીન માપણી વિભાગમાં અધિકારીઓ અરજદારોને સહયોગ આપતાં નથી. વહીવટીતંત્ર સાથે આપનો (કલેકટરનો) કોઈ તાલમેલ નથી. પાંચ દિવસમાં આ પત્રનો નિકાલ કરી વહીવટી કામગીરી સુધારવા વિનંતી છે એમ પણ પત્રમાં સાંસદે જણાવ્યું છે.
સાંસદનાં આ સ્ફોટક પત્ર પછી હવે કલેકટર સ્તુતિ ચારણ શું કાર્યવાહી કરશે ?! એ મુદ્દે સમગ્ર રાજ્યમાં ચર્ચા છે. પણ એક વસ્તુ સ્પષ્ટ બની છે કે, સરકારની છબિને આ મહિલાઓ વચ્ચેની ફાઈટથી નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં અન્ય એક મહિલા પણ ચર્ચામાં છે ! જેમાં સામે SP છે !
-એસપી સતાનો દુરૂપયોગ કરી રહ્યા છે : ગેનીબેનનું ટ્વીટ
ગુજરાત કોન્ગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર થોડાં થોડાં સમયે ચર્ચામાં આવે છે. વાવથરાદ નાં આ ધારાસભ્ય એ એક ટવીટ કર્યું છે. ટ્વીટર પર તેઓ જણાવે છે કે, રાજકીય ઈશારે એસપી કોન્ગ્રેસનાં નેતાઓ અને સ્થાનિક પ્રજાને દબાવી સતાનો દુરૂપયોગ કરી રહ્યા છે. અમે પોલીસની દબંગગીરી સામે લડીએ છીએ એમ ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે.