mysamachar.in-જામનગર:
જો તમે એટીએમ કાર્ડનો વપરાશ કરતાં હોવ અને તે કાર્ડ સાથે જ તમને એટીએમનો પીન નંબર રાખી મૂકવાની આદત હોય તો હવે તમે અત્યારે જ આ આદત સુધારી લેજો નહિતર તમારા એકાઉન્ટ માથી લાખો રૂપિયા સાફ થઈ જાય તેવો કિસ્સો જામનગરના જોગવડમાં સામે આવ્યો છે,
ઘરફોડ ચોરી કરવા આવેલ તસ્કરને ઘરમાંથી રોકડ કે દર-દાગીના તો હાથ ન લાગ્યા પરંતુ ઘરધણીની બેદરકારી ને કારણે તસ્કરને લોટરી લાગી ગઈ હોય તેમ તસ્કરના હાથમાં એટીએમ કાર્ડ સાથે તેના કોડની કાપલી આવી જતાં તસ્કરે એટીએમ કાર્ડ દ્વારા પૈસા ઉપાડીને એક નહીં પરંતુ મન મૂકીને એકી સાથે ૫ મોબાઇલની ખરીદી કર્યા બાદ એટીએમમાંથી રોકડા ૫૦ હજાર પણ ઉપાડી લઈને ૧.૨૫ લાખની ચોરીની ફરીયાદ મેઘપર પોલીસ સ્ટેશને નોંધાતા પોલીસ પણ ચોંકી ઉઠી છે,
ચોરીના આ હેરત પમાડે તેવા કિસ્સાની વિગત મુજબ જામનગર જીલ્લાના મેઘપર નજીક જોગવડ ગામે રામદુતનગર વિસ્તારમાં બબલુ મંડળના મકાનમાં રહેતા પ્રણબેશ ભૂનીયાના બંધ રૂમમાં તસ્કરે પ્રવેશ કર્યા બાદ કઈ હાથ લાગ્યું નહીં,તેવામાં રસોઈ બનાવવાના પ્લેટફોર્મની નીચે સુટકેશમાંથી એટીએમ કાર્ડ અને એટીએમ કાર્ડના કોડની કાપલી હાથ લાગતાં તસ્કર લઈને આરામથી રૂમમાથી નીકળી ગયો,
ત્યારબાદ તસ્કરે એટીએમ કાર્ડના કોડના આધારે એટીએમમાંથી બે દિવસ દરમ્યાન પૈસા ઉપાડીને એકી સાથે ૭૫ હજારના કિંમતી ૫ નંગ મોબાઇલની ખરીદી કરી ઉપરાંત એટીએમમાંથી રોકડા ૫૦ હજાર પણ ઉપાડી લઈને કુલ ૧ લાખ ૨૫ હજારની ચોરી કર્યાની પ્રણબેશ ભૂનીયાએ મેઘપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે,
ચોરીનો આ વિચિત્ર બનાવ સામે આવતા પોલીસ પણ થોડીવાર ચોંકી ઉઠ્યા બાદ હાલ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.