Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં ઠેર ઠેર પથારા અને રેકડા સહિતના સ્થાયી અને અસ્થાયી દબાણો છે, તેમાં ક્યાંક તંત્રની મીઠી નજર છે તો ક્યાંક રાજકીય આકાઓની જેને કારણે શહેર બદસુરત બની રહ્યું છે, એવામાં વર્ષોથી બર્ધનચોક સહિતના વિસ્તારોમાં હાઈકોર્ટ દ્વારા નો હોકિંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે છતાં તેની અમલવારી થતી નથી જેને કારણે અંતે કંટાળી ચૂકેલ બર્ધન ચોક વેપારી એસોસિએશન દ્વારા આજે બંધ પાડી અને બાઈક રેલી યોજી કલેકટર કચેરી ખાતે પહોચ્યા હતા અને બર્ધન ચોક વિસ્તારમાં નો હોકિંગ ઝોનની ચુસ્ત અમલવારી તંત્ર કરાવે તેવી માંગ કરી છે.આ સાથે આપેલ આવેદનપત્રમાં વેપારીઓની રજૂઆત એવી છે કે…
જામનગર શહેરમાં આવેલ માંડવી ટાવર, બર્ધન ચોક, દરબારગઢ વિસ્તારને હાઇકોર્ટ દ્વારા “NO HAWKING ZONE” તરીકે જાહેર કરવામાં આવેલ છે, જેનો આજ રોજ સુધી તંત્ર દ્વારા કેમ અમલ કરાવવામાં આવેલ નથી? અને લગત તંત્રો દ્વારા કોર્ટના આદેશની અવગણના કરવામાં આવી રહી છે. એક તરફ સુપ્રીમ કોર્ટ- હાઇકોર્ટ કહે છે, સરકારી જમીનો પર ના ગેરકાયદેસરના દબાણો દૂર કરો, ગેરકાયદેસરના દબાણો વિશેતંત્રને જાણ કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ પગલાં લેવાયા નથી.
બર્ધન ચોક સહિતના વિસ્તારોમાં જો કોઈને ઈમરજન્સી સેવાઓની જરૂર પડે જેમકે 108 અને ફાયર ફાઈટર તો આ ઇમરજન્સી સેવાઓ ગેરકાયદેસરના દબાણના કારણે જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી શકે તેમ નથી. તંત્રની આવી બેદરકારીના કારણે જો કોઈના જીવ જાય તો તેની જવાબદારી કોની? તેવો વેધક સવાલ પણ વેપારીઓએ ઉઠાવ્યો છે, ઘણી જગ્યાએ ઘટના થઈ ગયા બાદ તંત્ર કે સરકાર જાગતા હોય છે જેમકે સુરત અગ્નિકાંડ, અમદાવાદ અગ્નિકાંડ, મોરબીનો ઝુલતો પુલ અને રાજકોટT.R.P ગેમ ઝોન પણ આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વેપારીઓ દ્વારા તંત્ર ને અને સરકારને આગોતરા સાવચેત કરી આ ગેરકાયદેસરના દબાણ દૂર કરે તે ઇચ્છનીય છે.
એક બાજુ દેશમાં નારી શક્તિ- નારી તું નારાયણી – નારી સશક્તિ કરણ અને મહિલા અનામત જેવા અનેકો શબ્દ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખેથી અવારનવાર સાંભળવા મળતા હોય છે જ્યારે આ વિસ્તારના ગેરકાયદેસરના દબાણ કરતાઓએ અહીં આ વિસ્તારમાં મહિલા યુરીનલ બનાવવામાં આવી હતી જે આ દબાણ કરતા હોય પોતાના સ્વાર્થ અને દબાણના મનસુબા ને કારણે એ તોડી અને એ યુરીનલનું અસ્તિત્વ પણ નથી રહેવા દીધું. આ માનવ અધિકાર અને મહિલા અધિકારોનું રીતસરનું હનન કરવામાં આવેલ છે.
જામનગરનું તંત્ર ઘોર નિદ્રામાં છે? લાચાર છે? કેપછી બેદરકાર છે? તેવા આક્ષેપ બાદ આ આવેદનપત્રના અંતમાં વેપારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે આજે આવેદન આપ્યા પછી પણ જો તંત્ર દ્વારા અમારા પ્રશ્નોનું કાયમી નિકાલ નહીં આવે તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન સહિતના કાર્યક્રમો અને જરૂર પડ્યે હાઈકોર્ટ સુધી જવાની તૈયારીઓ પણ દર્શાવવામાં આવી છે.