Mysamachar.in-અમદાવાદ:
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(2020)નો એક મોટો ફાયદો ગુજરાતભરની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ભણતાં લાખો વિદ્યાર્થીઓને મળશે. શાળાઓ દ્વારા લેવાતી ‘એકમ’ કસોટીઓ બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. આ કસોટીઓ છેલ્લા 6 વર્ષથી અઠવાડીક, પખવાડીક અને માસિક એમ ત્રણ વખત લેવામાં આવે છે. આ તમામ ટેસ્ટ આગામી જૂનથી શરૂ થનાર શૈક્ષણિક સત્રથી બંધ થશે. આ નિર્ણયનો અમલ રાજ્યની 40,000થી વધુ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં લાગુ પડશે. જેને કારણે લાખો વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ‘ભાર વિનાના ભણતર’નો અહેસાસ માણી શકશે.
હાલમાં જો કે આ મુદ્દો કમિટીએ કરેલી ભલામણના સ્તરે છે. પરંતુ ખુદ શિક્ષણમંત્રી કુબેર ડીંડોરએ જાહેર કર્યું છે કે, નવી એસેસમેન્ટ મેથડોલોજી જૂન-2025થી દાખલ કરવામાં આવશે. આ નવી પ્રથા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત સરકારે આ ફેરફાર માટે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં એક કમિટી રચેલી.
અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા 6 વર્ષથી આ બધી કામગીરીઓ ગાંધીનગર કક્ષાએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર હસ્તક થાય છે. નવી વ્યવસ્થાઓ આવતાં હાલમાં શિક્ષકો પર જે વધારાની કામગીરીઓનો બોજ છે તે પણ ઘટી જશે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, હાલની આ એકમ કસોટીના સ્થાને, એસેસમેન્ટ માટે જે નવી વ્યવસ્થાઓ આવશે તે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે સુસંગત હશે. હાલની એસેસમેન્ટ પદ્ધતિનો શિક્ષકવર્ગમાં ઘણાં સમયથી વિરોધ ચાલી રહ્યો છે. પાછલાં 6 વર્ષ દરમિયાન ઘણો વિરોધ થયો છે. જો કે નવી એસેસમેન્ટ વ્યવસ્થાઓ કેવી હશે, તેની વિગતો હવે નક્કી અને જાહેર થશે.(file image)
