Mysamachar.in-અમદાવાદ:
સમાજમાં લગ્નેતર સંબંધ, લગ્ન વિનાના સંબંધ અને લિવ ઇન રિલેશનશિપ જેવા વિવિધ પ્રકારના કેસ ચર્ચાઓમાં આવતા રહેતાં હોય છે. આવો વધુ એક રસપ્રદ કિસ્સો હમણાં જાહેર થયો છે. જેમાં અદાલતે કડવાચોથ અંગે પણ સ્પષ્ટતા કરી છે. આ કેસમાં યુવક અને યુવતી હાલ અલગઅલગ રહેવા મજબૂર છે.
મહેસાણાનો એક યુવાન ગાંધીનગર ખાતે રહેતો હતો ત્યારે તેણે એક યુવતી સાથે પ્રેમ બાદ લિવ ઇન રિલેશનશિપ કરાર કર્યો હતો અને ત્યારબાદ તેઓ બન્ને મહેસાણા ખાતે પતિ પત્ની તરીકે રહેતાં હતાં. તેઓએ આ કરાર નોટરી કરાવ્યો હતો પરંતુ રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું. યુવકના કહેવા અનુસાર, તેઓએ ધાર્મિક વિધિથી લગ્ન કર્યા હતાં.
દરમિયાન, તેઓના જીવનમાં એક તબક્કો એવો આવ્યો કે, આ યુવકની ગેરહાજરીમાં યુવતીના પરિવારજનો યુવતીને આ યુવકના ઘરેથી લઈ ગયા એવી અરજી આ યુવકે અદાલતમાં દાખલ કરી અને આ યુવતીને શોધી કાઢવા યુવકે અદાલતમાં હેબિયસ કોર્પસ અરજી કરી. અરજીમાં જણાવ્યું કે, આ યુવતીને તેણીના માતાપિતા બળજબરીથી ઉઠાવી ગયા છે.
આ અરજીમાં યુવકે પોતે અને આ યુવતી પતિ તથા પત્ની છે એવી રજૂઆત કરી હતી અને આ યુવતી તેના માટે કડવાચોથ વ્રત પણ કરતી હતી એમ પણ યુવકે અરજીમાં કહ્યું. અદાલતે કહ્યું કે કડવાચોથ વ્રત એ પ્રેમનો મામલો હોય શકે, પ્રેમને કારણે તેણી એ વ્રત કરતી હોય શકે, એમ જણાવી અદાલતે આ અરજીમાં લખાયેલા પતિ અને પત્ની શબ્દો કાઢી નાંખવા પણ કહ્યું. અદાલતે કહ્યું, તમારાં લગ્ન નોંધાયેલા નથી. જો કે અદાલતે સરકાર અને મહેસાણા પોલીસને આ મામલે નોટિસ મોકલી છે.
યુવકે અરજીમાં એમ પણ કહ્યું છે કે, આ યુવતી પોતાની મરજીથી મારી સાથે રહેતી હતી અને તેણીના પરિવારજનો તેણીને પોતાની મરજી વિરુદ્ધ અરજદારના ઘરેથી લઈ ગયા છે અને ત્યારથી યુવતીની ભાળ મળી ન હોય, તેણીની ભાળ મેળવવા આ અરજી કરવામાં આવી છે. આ અરજી કરવાની પોતાને ફરજ પડી છે, એમ પણ તેણે હાઈકોર્ટ સમક્ષ કહ્યું. આ કિસ્સાએ મહેસાણા પંથકમાં ચર્ચાઓ જગાવી છે.