Mysamachar.in-અમદાવાદ:
ગુજરાત સરકારે રાજ્યના 2 નવા તોતિંગ પ્રોજેક્ટ્સની કામગીરીઓ શરૂ કરી દીધી હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે. રાજ્યમાં 2 નવા એક્સપ્રેસ-વે બનશે, જે ગ્રીનફિલ્ડ રૂટ તરીકે ઓળખાશે. આ બંને પ્રોજેક્ટ પાછળ અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વર્તમાન નાણાંકીય વર્ષ 2025-26 નું ગુજરાતનું બજેટ રજૂ થયું ત્યારે, નાણાંમંત્રી દ્વારા રાજ્યના વિવિધ મોટા કામોની યાદી જાહેર કરવામાં આવી ત્યારે તેમાં 2 એક્સપ્રેસ વેનો પણ સમાવેશ થતો હતો. જે પૈકીનો એક એક્સપ્રેસ વે ‘નમો શક્તિ’ તરીકે અને બીજો એક્સપ્રેસ વે ‘દ્વારકા-સોમનાથ એક્સપ્રેસ વે’ તરીકે ઓળખાશે, એમ બજેટમાં કહેવાયું હતું.

આ વાતને ચારેક મહિના જેટલો સમય થયો. હાલમાં ગાંધીનગર ખાતેનો એક અહેવાલ જણાવે છે કે, આ બે એક્સપ્રેસ વે પૈકી એક પ્રોજેક્ટ બનાસકાંઠાના ડીસા અને અમરેલી જિલ્લાના પિપાવાવ બંદરને જોડશે. જે નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે ઓળખાશે. આ ગ્રીનફિલ્ડ રૂટ રૂ. 39,120 કરોડના ખર્ચથી બનશે. જેની લંબાઈ આશરે 430 કિલોમીટર રહેશે.
આ ઉપરાંત દ્વારકા-સોમનાથ એક્સપ્રેસ વે તરીકે ઓળખાનારો એક્સપ્રેસ વે અમદાવાદ-દ્વારકા-પોરબંદર અને સોમનાથને જોડશે. જેની આશરે લંબાઈ 680 કિલોમીટર ગણવામાં આવી છે અને રૂ. 57,120 કરોડના ખર્ચે આકાર લેનાર આ એક્સપ્રેસ વે પણ ગ્રીનફિલ્ડ રૂટ તરીકે વિકસાવવામાં આવશે. અત્રે નોંધનીય બાબત એ છે કે, આ બંને પ્રોજેક્ટ માટે હાલ DPR એટલે કે ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા હોવાનું ગાંધીનગર સ્થિત વર્તુળો જણાવે છે.

-શું હશે આ ગ્રીનફિલ્ડ રૂટની વિશેષતાઓ ?…
આ બે નવા એક્સપ્રેસ વે અંગે કહેવાયું છે કે, આ રસ્તાઓ કોઈ પણ ગામ કે શહેરમાંથી પસાર થશે નહીં, માનવ વસવાટોથી દૂર હશે. આ રસ્તાઓથી મુસાફરી સરળ, ઝડપી અને સલામત બનશે. આ રસ્તાઓથી રાજ્યના હાલના ધોરીમાર્ગો પર વાહનોનું ભારણ અને અકસ્માતો ઘટાડી શકાશે. આર્થિક અને ધાર્મિક પ્રવાસોને વેગ મળશે અને રાજ્યની આંતરમાળખાકીય સુવિધાઓ વધશે.(file image)
