Mysamachar.in-જામનગર:
સમગ્ર રાજ્યમાં ઘણાં પ્રાથમિક શિક્ષકો એવા છે જે લાંબા સમયથી ઘેરહાજર છે, આ શિક્ષકો શાળાઓમાં હાજર ન હોવાનું તંત્રની જાણમાં છે. આ પ્રકારના શિક્ષકો સંબંધે તંત્ર દ્વારા નિયમાનુસારની કાર્યવાહીઓ ચાલી રહી છે, આકરાં પગલાંઓ હજુ સુધી લેવાયા નથી. અને, આ શિક્ષકો પૈકી ઘણાં તો એવા છે જે વિદેશોમાં મોજ કરે છે અને અહીં તંત્ર તેમની ગેરહાજરી અંગે કાર્યવાહીઓ ચાલી રહી છે એવા ગાણાં ગાઈ રહ્યા છે. જો કે, જામનગર જિલ્લામાં વિદેશમાં હોય એવા એકેય શિક્ષક નથી. 4 શિક્ષકો ઘેરહાજર રહે છે, જે પૈકી 2 અનઅધિકૃત રીતે ઘેરહાજર છે.
જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી જણાવે છે: જામજોધપુર તાલુકાના બાવરીદડની પ્રાથમિક શાળાના શિક્ષક કછોત દેવાત રાણાભાઈ નવેમ્બર, 2022થી ફરજ પર નથી. આ શિક્ષકે તંત્રને જાણ કરી છે કે, તેઓ મેડિકલ ગ્રાઉન્ડ પર રજા ભોગવે છે, જો કે તંત્રએ કહેલું છે કે, તમને નિયમાનુસાર આ રજા મળવાપાત્ર નથી. આથી તમારી વિરુદ્ધ કાર્યવાહીઓ શા માટે ન કરવી ? એવી નોટિસ આપેલી છે.
આ ઉપરાંત અન્ય એક કેસ જામનગર તાલુકાની ધૂતારપર પ્રાથમિક શાળાનો છે, જેમાં સોનલબેન સોલંકી નામના શિક્ષિકા અનઅધિકૃત રીતે ઘેરહાજર છે, તેઓ જૂન,2023થી રજા ભોગવે છે, તેઓ વિરુદ્ધ પણ નોટિસ સહિતની કાર્યવાહીઓ થઈ રહી છે. આ ઉપરાંત લાલપુર તાલુકાના માધુપુરની પ્રાથમિક શાળાના શિક્ષક પાર્થ ભરતભાઇ રાઠોડ ડિસેમ્બર,2023થી ઘેરહાજર છે, જો કે તેઓ નિયમાનુસાર મેડિકલ લિવ પર છે. આ ઉપરાંત બાલંભડાની પ્રાથમિક શાળાના શિક્ષિકા દર્શિતાબેન અગ્રાવત નાના બાળકના માતા હોય, નિયમાનુસાર કપાત પગારથી રજા પર છે. તેઓ જૂન, 2023થી રજા પર છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સમગ્ર રાજ્યમાં જામનગર સહિત 27 જિલ્લાના 91 શિક્ષકો લાંબી રજા સાથે ઘેરહાજર છે. જે પૈકી 60 સાહેબ તો વિદેશોમાં છે. છેલ્લા 2 વર્ષમાં 3 મહિનાથી વધુ રજા પર હોય એવા 151 શિક્ષક છે. ગાંધીનગરના 13 શિક્ષક વિદેશમાં, કચ્છના 13 શિક્ષક અનઅધિકૃત રીતે ઘેરહાજર છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, રાજ્યના ક્યા ગામની કઈ પ્રાથમિક શાળામાં કેટલાં શિક્ષક અને કેટલાં વિદ્યાર્થીઓ ગેરહાજર છે તેની રિઅલ ટાઇમ ઓનલાઈન વિગતો ગાંધીનગરમાં બેઠાં બેઠાં શિક્ષણ વિભાગને પ્રાપ્ત થઈ જાય તે માટે તોતિંગ ખર્ચથી સરકાર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ચલાવે છે, આ કેન્દ્રમાં 50 તાલીમબદ્ધ શિક્ષકો હોય છે, આ કેન્દ્રનો ખર્ચ પાણીમાં ગયો. કારણ કે, આ કેન્દ્ર દ્વારા શિક્ષકો પર નજર રાખવામાં આવી નથી, જરૂરી કાર્યવાહીઓ કરવામાં આવી નથી. આ કેન્દ્રની જાણ બહાર આટલાં બધાં શિક્ષકો ઘેરહાજર છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ કેન્દ્રએ આ બધી ઓનલાઈન વિગતો મુખ્યમંત્રી ડેશબોર્ડ પર પણ શેયર કરવાની હોય છે. અત્યાર સુધી આ કોઈ તંત્ર દ્વારા આ ગેરહાજરીઓનું મોનિટરીંગ થયું નહીં ?! તેઓ સૌ અત્યાર સુધી શિક્ષકોની ઘેરહાજરી બાબતે શું કરતાં હતાં, એ વિગતો પણ બહાર આવવી જોઈએ. હવે સરકાર કહે છે: અમે ઓફલાઈન તપાસ કરીશું.