Mysamachar.in-દાહોદ:
અત્યાર સુધી દૂધ, ઘી, માવા, તમાકુ સહિતની ચીજવસ્તુઓનું નકલી વેચાણ બજારમાં જોયું હતું પરંતુ હવે તો હદ ત્યારે થઇ કે જેનો નાના મોટા સૌ ઉપયોગ કરતા હોય તે શેમ્પુ પણ બનાવટી…આ વાત એકદમ સાચી એટલા માટે છે કે નમક ઉપરાંત કેમિકલ નો ઉપયોગ કરી બ્રાન્ડેડ શેમ્પુની બોટલોમાં નકલી શેમ્પુ ભરી અને વેચાણ કરતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે.આ અંગેની મળતી વિગતો એવી છે કે છે દાહોદ નજીક નેશનલ હાઈ-વે રોડથી કસ્બા તરફ આવતાં રોડ પર આવેલા એક મકાનમાં પ્રથમ માળે નામાંકિત કંપનીની શેમ્પુની ખાલી બોટલોમાં ડુપ્લીકેટ લીકવીડ ભરી તેનું અસલી તરીકે વેચાણ કરનાર ગેંગનો દાહોદ એ ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં ઉત્તર પ્રદેશના આઠ જેટલા યુવકોને દાહોદ પોલિસે પકડી પાડયા છે.
પોતાના આર્થિક ફાયદા માટે હિન્દુસ્તાન લીવર પ્રા. લીમીટેડ કંપનીના કલીનીક પ્લસ, સનસીલ્ક જેવી સ્ટાન્ડર્ડ બ્રાન્ડની શેમ્પુની ખાલી બોટલોમાં ડુપ્લીકેટ શેમ્પુ ભરી વેંચતા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ કંપનીના જવાબદાર અધિકારીઓને બાતમી મળતા તે કંપનીના મથુરા જિલ્લા અજીત પટ્ટી મગૌરા ગામે રહેતા નરેન્દ્રસિંગ મહાવીરસિંગ કુંત્તલ નામના કર્મચારી દાહોદ ખાતે આવી દાહોદ ટાઉન એ ડીવીઝન પોલિસનો સંપર્ક કર્યો હતો.
પોલીસની ટીમને સાથે લઈ દાહોદ હાઈ-વેથી સ્મશાન તરફ આવતાં રોડ પર આવેલ ઈદરીશ ઈસ્માઈલ પાટુકના પ્રથમ માળે ઓચિંતો છાપો મારી સ્ટાન્ડર્ડ કંપનીની ખાલી બોટલોમાં ડુપ્લીકેટ લીકવીડ ભરી વેંચનાર ઉપરોક્ત આઠ જણાને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી પોલીસે નાની મોટી ખાલી તેમજ ભરેલી બાટલીઓ, 7 જેટલા મોબાઈલ ફોન, નમકની થેલીઓ નંગ-22 તથા હોટ ગન વગેરે મળી રૂા. 2,20,818નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ પકડાયેલ આઠે જણા વિરૂધ્ધ કોપી રાઈટ કલમ 51, 63 ઈપિકો કલમ 420, 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડુપ્લીકેટ કેમિકલ તેમજ પાણી તથા ચિકાસ માટે નમક નાખી ડુપ્લીકેટ શેમ્પૂ બનાવતી મીની ફેક્ટરી દાહોદમાંથી ઝડપાઈ છે. આ મીની ફેક્ટરી આગ્રાના ઇસ્લામ નગરથી સંચાલન થઇ રહ્યું હતું. આઠ જેટલા ઈસમો ડુપ્લીકેટ શેમ્પુ બનાવવાના સંસાધનો સાથે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ભ્રમણ કરી સ્ટાન્ડર્ડ કંપનીની ખાલી બોટલ દિલ્હી ખાતેથી લાવી ઊંચા ભાવની ઓરીજનલ બોટલમાં નકલી શેમ્પૂ ભરી તદ્દન નજીવા ભાવે વેચી મારતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. કેમીકલ અને મીઠાની મદદથી હલકી ગુણવત્તાનું શેમ્પુ બનાવીને તેઓબ્રાન્ડેડ બોટલોમાં ભરતાં હતાં.આ ખાલી બોટલો તેઓ દિલ્હીથી ભંગારિયાઓને ત્યાંથી મંગાવતાં હતાં.આ વપરાયેલી ખાલી બોટલો તેમને 20 અને 30 રૂપિયે કિલોના ભાવે મળતી હતી.