Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડ માર્કેટિંગ યાર્ડ ખાતે ગત રવિવારે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મૌલિકભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર ઝોન ૨ના ઇન્ચાર્જ અને ગુજકોમાસોલના ડાયરેક્ટર ઋષિ નથવાણી, જામનગર ડી.કો.ઓપ. બેંકના ચેરમેન જીતેન્દ્ર એચ. લાલ, એપીએમસી કાલાવડના વાઇસ ચેરમેન, તમામ સભ્યઓ અને કાલાવડ તાલુકાના ખેડૂતો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કાલાવડના ચેરમેન મૌલિકભાઈ નથવાણીએ બજાર સમિતિની પ્રગતિ વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે ગત વર્ષમાં બજાર સમિતિને રેકોર્ડબ્રેક 426 લાખ રૂપિયાની આવક થઈ હતી. આ ઉપરાંત, ખેડૂતો માટે બંધ પડેલો અકસ્માત વીમો ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધી ખેડૂતોને ૨ લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળતો હતો, જે હવે વધારીને ૩ લાખ રૂપિયા કરવામાં આવ્યો છે. બજાર સમિતિમાં ગેટ એન્ટ્રીથી લઈને હરરાજી સુધીનું તમામ કામ આજના ડીજીટલ સમય પ્રમાણે ઓનલાઈન પદ્ધતિ દ્વારા કરી પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુમાં કાલાવડ યાર્ડ દ્વારા આગામી સમયમાં પણ ખેડૂતો અને વેપારીઓના હિતમાં જે કોઈ જરૂરી નિર્ણયો કરવાની જરૂર પડશે તે મક્મતાથી કરવાની તૈયારી પણ મૌલિક નથવાણીએ દર્શાવી હતી.


