Mysamachar.in-જામનગર:
જામનગરના ધ્રોલ શહેરના એક શખ્સનું મગજ હલી ગયું. અને આ શખ્સે જામનગર રેલ્વે સ્ટેશન બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી દીધી ! આ ઉપરાંત તેણે પોલીસને એમ પણ ધમકી આપી કે, મેં સોમનાથ-જબલપુર ટ્રેનમાં બોમ્બ ગોઠવ્યો છે. આ બંને ધમકીને કારણે જામનગરથી માંડીને અમદાવાદ સુધી પોલીસ ‘દોડવા’ માંડી. બાદમાં જો કે, આ શખ્સની અટકાયત કરી લેવામાં આવી. જાહેર થયેલી વિગત અનુસાર, વાતમાં કાંઈ દમ નથી.
ધ્રોલના આ શખ્સનું નામ રવિરાજસિંહ જાડેજા છે. તેના પરિવાર દ્વારા મગફળી વેચાણ માટે બજારમાં લાવવામાં આવી પરંતુ મગફળીનો યોગ્ય ભાવ પ્રાપ્ત ન થતાં, આ શખ્સનું મગજ હલી ગયું. કહેવાય છે કે, તેણે આ બાબતે પોતાના પિતા સાથે પણ બોલાચાલી કરી હતી.
આ શખ્સે સરકાર સામેની નારાજગીઓ વ્યક્ત કરવા, બોમ્બ નામની વારતા ઘડી કાઢી. પોલીસને ફોન નંબર 100 પર ટ્રેનમાં બોમ્બની ધમકીની જાણ થતાં, પોલીસે વિરમગામ સ્ટેશન પર ટ્રેન થોભાવી, ચેક કરી, બાદમાં ટ્રેન અમદાવાદ તરફ રવાના કરવામાં આવી.
ત્યારબાદ પોલીસે આ ફોન કરનાર શખ્સનું મોબાઈલ લોકેશન ટ્રેસ કર્યું. જાણકારીઓ પ્રાપ્ત થઈ કે, આ ફોન રાજકોટ-મહેબૂબનગર સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે. આ ટ્રેન અમદાવાદ રોકાવવામાં આવી. અને, આ શખ્સને શોધી કાઢવામાં આવ્યો. અમદાવાદ રેલ્વે પોલીસમથકમાં રવિરાજની પૂછપરછ થઈ. અટકાયત કરવામાં આવી. બાદમાં તેને જામનગરના ધ્રોલ ખાતેની પોલીસને સોંપી દેવામાં આવ્યો.
-ધ્રોલ પોલીસ આ બાબતે કહી રહી છે…
આ પ્રકરણની સત્તાવાર વિગતો મેળવવા આજે સવારે Mysamachar.in દ્વારા ધ્રોલ PI H V રાઠોડનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું: આ શખ્સ ગત્ રોજ સાંજથી ધ્રોલ પોલીસના કબજામાં છે પરંતુ હાલ જિલ્લામાં IG ઈન્સ્પેક્શન ચાલી રહ્યું હોય સમગ્ર સ્ટાફ આ કામગીરીઓમાં વ્યસ્ત છે. આ કામગીરીઓમાંથી ફ્રી થયા બાદ આ શખ્સની પૂછપરછ કરવામાં આવશે. જો કે આ શખ્સની રેકર્ડ પર ધરપકડ થઈ છે કે કેમ, એ પ્રશ્નનો જવાબ એમણે ટાળી દીધો હતો. ટૂંકમાં, બોમ્બનો આ આખો મામલો દમ વિનાની વાત જેવો લાગી રહ્યો છે. અગાઉ આ પ્રકારના કેટલાંયે કિસ્સાઓ બની ચૂક્યા છે. તંત્ર સિવાય કોઈ આવી ધમકીઓને ગંભીર રીતે જોતું નથી.


