Mysamachar.in-વડોદરા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક યુવકે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ વડોદરા પોલીસમાં નોંધાવી છે. આ ફરિયાદમાં કુલ પાંચ આરોપીઓ છે, જે પૈકી બે મહિલાઓ છે. આ યુવકની રૂ. 24 લાખથી વધુની રકમ આ આરોપીઓ ‘જમી’ ગયા છે.
વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદી દિનેશ જિવનભાઈ આચાર્ય(39) દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામમાં રહે છે અને વિદેશ જવાના ચક્કરમાં તેમની સાથે આ છેતરપિંડી થઈ છે.
ગત્ જાન્યુઆરીમાં આ યુવકે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર એક જાહેરાત જોઈ અને વડોદરામાં આવેલા મિરાઝ કોમ્પ્લેક્ષમાં રિધાન ઈમિગ્રેશન નામની કંપનીનો સંપર્ક કર્યો. આ કંપનીએ યુવકને કહ્યું: જ્યોર્જિયા નામના દેશમાં વેરહાઉસમાં નોકરી મળશે. માસિક પગાર રૂ. 80-90,000 સાથે રહેવા અને જમવાની સુવિધાઓ.
યુવકે રોજગાર મેળવવા, વિદેશ જવા આ કંપનીને રૂ. 50,000 એડવાન્સ આપ્યા. રૂ. 3 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા. નોટરી કરાર થયો. 45 દિવસમાં વર્ક પરમિટનો ભરોસો અપાવવામાં આવ્યો. ત્રણેક મહિના બાદ કંપનીએ યુવકને કહ્યું: વિઝા આવી ગયા, નાણાં જમા કરાવો.
આથી આ ફરિયાદીએ કંપનીને રૂ. 10.50 લાખ અને રૂ. 19.50 લાખ આપ્યા. આ વ્યવહાર એપ્રિલ માસમાં થયા. જૂલાઈમાં જ્યોર્જિયાની ટિકિટ આપી, યુવકને દિલ્હી આવવા જણાવાયું. જો કે તો પણ આ યુવકને પાસપોર્ટ કે વિઝા આપવામાં ન આવ્યા. વાયદા કરવામાં આવ્યા.
બાદમાં થાકી આ યુવકે નાણાં પરત મેળવવા સતત પ્રયત્ન કર્યા. કંપનીએ રૂ. 8.65 લાખ પરત આપ્યા. અને રૂ. 24.35 લાખ પરત ન આપ્યા. આથી યુવકે આ કંપનીની માલિક કાજલ જોષી સહિત પાંચ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી. અન્ય આરોપીઓમાં અમર શાહ, શ્રેયા પટેલ, ચિરાયુ પટેલ અને ગૌતમ શાહનો સમાવેશ થાય છે. ફરિયાદી દિનેશ આચાર્યને ન નોકરી મળી, ન વિદેશ જવાયું અને નાણાં ગયા.


