Mysamachar.in-અમદાવાદ:
મીઠાંબોલા ગુજરાતીઓ અને મીઠાઈ, ચટપટા તથા તીખાં વ્યંજન ખાવાના શોખીન ગુજરાતીઓમાં ડાયાબીટીસનો પગપેસારો ચિંતાપ્રેરક રીતે આગળ વધી રહ્યો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા ચોંકાવનારા છે. સર્વેના આંકડા મુજબ, રાજ્યમાં 15 વર્ષથી ઉપરના 16 ટકા પુરૂષ અને 14.8 ટકા મહિલાઓમાં બ્લડ શુગરનું પ્રમાણ ઉંચુ જોવા મળી રહ્યું છે. અગાઉ લોકો 40-50ની ઉંમર આસપાસ ડાયાબીટીસ નિદાન કરાવતાં હતાં. હવે લોકો 30 વર્ષની ઉંમર આસપાસ ચેક કરાવવા લાગ્યા કે, ડાયાબીટીસ છે કે કેમ ?!
આ સર્વે એમ પણ કહે છે કે, ગ્રામ્ય વિસ્તારોની સરખામણીએ શહેરી વિસ્તારોમાં ડાયાબીટીસનો ઉપદ્રવ વધુ રહેવા પામે છે. નિષ્ણાંતો કહે છે કે, ડાયાબીટીસના દર્દીઓ પૈકી 70 ટકા દર્દીઓમાં બ્લડ શુગરનું પ્રમાણ અનિયંત્રિત રહેતું હોય છે. તેઓ શુગર કંટ્રોલ કરી શકતા નથી. આનું એક કારણ એ પણ છે કે, આવા દર્દીઓમાં હ્રદય સંબંધિત બિમારીઓ સહિતની કેટલીક બિમારીઓ સાથે જોવા મળે છે.આ પ્રકારના દર્દીઓમાં શુગર લેવલ વારંવાર વધઘટ થવાથી તેમના હ્રદય, કિડની, આંખ અને ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ પર ઘેરી અસરો અને જોખમ સર્જાય છે. તેમાં સ્ટ્રોકનો પણ સમાવેશ થાય છે. આથી આવા દર્દીઓમાં લાંબાગાળાના જોખમ વધી જાય છે.
નિષ્ણાંતો કહે છે: બેઠાડું જિવન, શ્રમનો અભાવ, ખાણીપીણીની અયોગ્ય આદતો, તણાવ, વારસો, શરીરનું બંધારણ અને અપૂરતી ઉંઘ જેવા કારણોસર ડાયાબીટીસની બિમારીઓ વકરી રહી છે. અનિયંત્રિત ડાયાબીટીસની બિમારી સતત પાંચેક વર્ષ રહે તેવા કેસમાં હ્રદયરોગ, સ્ટ્રોક અને કિડની સંબંધિત જોખમો બહુ વધી જતાં હોય છે.


