Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 માં ડિફેન્સ કોલોની સહિતના કેટલાંક વિસ્તારોમાં ‘રોડ’ ન હોવાથી હજારો લોકો લાંબા સમયથી પરેશાન છે, આ બાબતે કોંગ્રેસ પાર્ટી રહી રહીને જાગી છે, કેમ કે સાતેક દિવસ અગાઉ તો આ ‘કામ’ના લાખોના ખર્ચને મંજૂરી પણ મળી ગઈ છે. કામ શરૂ થવાની તૈયારીઓ થઈ ચૂકી પછી હવે લોકોની સમસ્યાઓ વિપક્ષને ધ્યાન પર આવી !
વોર્ડ નંબર 6 માં ડિફેન્સ કોલોની સહિતના કેટલાંક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના કામો થયા બાદ રસ્તાઓના કામો થયા નથી અને તેથી હજારો લોકો હાલાકીઓ ભોગવી રહ્યા છે, એ બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે આ વિસ્તારમાં આંદોલન થયું. શહેર કોંગ્રેસના અધ્યક્ષ ખુદ મેદાનમાં ઉતર્યા. બીજી તરફ રેકર્ડ પરની હકીકત એ રહી છે કે, અગાઉ અન્ય વિપક્ષી સભ્ય આ બાબતે એક કરતાં વધુ વખત આંદોલન અને રજૂઆત કરી ચૂક્યા છે. જો કે એમ છતાં લાંબા સમય સુધી અહીં હજારો રહેવાસીઓએ રસ્તાઓના અભાવે, ખાસ કરીને ગત્ ચોમાસામાં ભારે હાલાકીઓ વેઠવી પડી. હાલાકી આજની તારીખે પણ યથાવત્ છે.
દરમ્યાન, ગત્ 28મી ઓક્ટોબરે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 14 નંબરની એજન્ડા આઈટમ તરીકે આ વિસ્તારના રસ્તાઓના કામો માટે કમિટી રૂ. 78.01 લાખનો ખર્ચ મંજૂર કરી ચૂકી છે. જેમાં જણાવાયું છે કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસની વર્ષ 2025-26ની આંતરમાળખાકીય સુવિધાની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નંબર 6 બાલાજી પાર્ક સોસાયટી પુંજાભાઈ ગામીના ઘરથી ડિફેન્સ કોલોની મુખ્ય રોડ સુધીનું સિમેન્ટ માર્ગનું કામ, તિરૂપતિ-2 સોસાયટી મહાદેવ મંદિર પાસેથી શેરી નંબર 7 સુધીના સિમેન્ટ માર્ગનું કામ તથા મંદિરથી ત્રિલોક એપાર્ટમેન્ટ સુધીનું સિમેન્ટ માર્ગનું કામ આ ખર્ચમાંથી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં આ બાબતે આંદોલન અને રજૂઆત કરનાર વિપક્ષી સભ્ય આજના કોંગ્રેસ આંદોલનમાં સાથે રહ્યા ન હતાં. કોંગ્રેસ પક્ષ હવે રહીરહીને આ કામ અંગે જાગી જતાં આખી વાતને લોકો જુદાં સંદર્ભમાં નિહાળી રહ્યા છે. ‘લીંબડ જશ’ જેવી કહેવત અંગે પણ લોકો ચર્ચાઓ કરી રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે.





