Mysamachar.in-રાજકોટ:
માણસનું અભિમાન, ગુસ્સો અને આવેગ- ઘણાં બધાં કિસ્સાઓમાં સાવ નાની બાબતે મોટા અને ઘાતકી પરિણામો સર્જાતા હોય છે. માણસની જિંદગીઓ પણ આવા મામલાઓમાં ઝૂંટવાઈ જતી હોય છે. લોહિયાળ ખેલ ખેલાતા હોય છે, આવો એક બનાવ ગઈકાલે કાળીચૌદશની રાતે બન્યો, એકસાથે 3-3 પરિવારો માટે આ રાત કાળરાત્રિ સાબિત થઈ. એક બબાલ એકસાથે 3-3 જિંદગીઓ ગળી ગઈ.
મામલો રાજકોટનો છે. અહીંના આંબેડકરનગરમાં ગત્ મોડી રાત્રે આ હીચકારો બનાવ બનતાં સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ. વાહન અથડાવા જેવી સામાન્ય બાબતમાં મામલો બિચકી ગયો અને બે સગા ભાઈઓ સહિત ત્રણની લોથ ઢળી પડી. આંબેડકરનગરમાં ધમાચકડી મચી ગઈ.
મૃતકોમાં 45 વર્ષના સુરેશ વશરામભાઈ પરમાર અને 40 વર્ષના વિજય વશરામભાઈ પરમારનો સમાવેશ થાય છે. સામા પક્ષે અરૂણ બારોટની પણ હત્યા કરી નાંખવામાં આવી. વાહન અથડાવા જેવી સામાન્ય બાબત દરમ્યાન આ બબાલ થતાં બંને જૂથના કેટલાંક લોકો બનાવના સ્થળે એકત્ર થઈ ગયા હતાં અને પછી ચડસાચડસીમાં સટાસટી બોલી ગઈ. પરમાર બંધુઓને છરીના ઘા ઝીંકી વેતરી નાંખવામાં આવ્યા.
આ સમયે બોલેલી સટાસટીમાં છરી, બેટ, ધારીયા અને ધોકા જેવા હથિયારોનો છૂટથી ઉપયોગ થયો. આ બબાલમાં 3 અન્ય લોકોને ઈજાઓ પણ થઈ છે, જેમાં એક મહિલાનો સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં DCP સહિતનો કાફલો હોસ્પિટલ પહોંચી ગયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, આ આંબેડકરનગર સહિતના આસપાસના વિસ્તારોમાં દારૂના દૂષણે માઝા મૂકી છે, જેના કારણે અવારનવાર ઝઘડા થતાં રહે છે. સ્થાનિક પોલીસ દારૂનું વેચાણ બંધ કરાવતી નથી, એવી અસંખ્ય લોકોની લાગણીઓ છે.





