Mysamachar.in-ગીર સોમનાથ:
સામાન્ય રીતે મોટાભાગના લોકોમાં અકસ્માત જેવી ઘટનાઓ નિહાળવાની એક જિજ્ઞાસા અને અચરજ હોય છે, આવું એક કુતૂહલ 2 લોકોના મોતનું નિમિત બનતાં કોડીનાર-સૂત્રાપાડા પંથકમાં લોકોમાં રોષ અને અરેરાટી વ્યાપી ગયા છે. આ દુર્ઘટના ગઈકાલે સોમવારે રાત્રે બની હોવાની વિગતો જાહેર થઈ છે.
વેરાવળ-કોડીનાર ધોરીમાર્ગ પર સોમવારે રાત્રે કણજોતર ગામ નજીક રાખેજ પાટીયા પાસે એક બાઈક તથા ઈકો કાર વચ્ચે સર્જાયેલો અકસ્માત નિહાળવા કેટલાંક લોકો ટોળે વળી ઉભા હતાં, તે દરમ્યાન પૂરપાટ પસાર થઈ રહેલાં એક ડમ્પરે એક ટ્રેક્ટરને ઉલાળી દીધું અને આ કારણથી ટોળામાં ઉભેલાં 7 લોકો કચડાઈ જતાં ઘાયલ થયા. જે પૈકી 2 લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નીપજતાં આ ટોળામાં નાસભાગ અને અરેરાટી મચી ગઈ હતી.
આ અકસ્માતમાં મોતને ભેટેલા 2 લોકોના નામો સુભાષ પરમાર અને બાલુભાઈ કલોતરા જાહેર થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પંથકમાં અંબુજા સિમેન્ટ પ્લાન્ટ આવેલો છે. લોકોમાં એવો રોષ છે કે કંપનીમાં આવતા-જતાં ભારે વાહનો બેફામ દોડી રહ્યા છે. અવારનવાર અકસ્માત થાય છે. રોષે ભરાયેલા ટોળાએ કંપનીમાં જતાં અને બહાર નીકળતા ભારે વાહનો અટકાવી દેતાં આ પંથકમાં ટ્રાફિક જામ સહિતની અફરાતફરી જોવા મળી.