Mysamachar.in-જામનગર:
એક તરફ રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ- માસ અને અભિયાનો ઉજવાતા રહે છે, બીજી તરફ આપણાં માર્ગો ‘અસલામત’ હોવાની અને તેને કારણે અનેક નિર્દોષ જિંદગીઓનો ભોગ લેવાઈ રહ્યો હોવાની વિગતો બહાર આવતી રહે છે. ઘાતક અકસ્માતોની વણઝાર આપણે અટકાવી શક્યા નથી, આપણે અટકાવી શકતા નથી.
જામનગરના મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત અંગે ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદી સેજાન વલીભાઈ શેખ (20, રહે. પટ્ટણીવાડ)એ ફરિયાદમાં જાહેર કર્યું છે કે, તેના મોટાભાઈ સોહિલ(32) અને હાજી ઉર્ફે મોસિન(32) ગઈકાલે સાંજે આશરે પોણા છ વાગ્યા આસપાસ, જોગવડ પાટીયા નજીકથી પિકઅપ લોડીંગ રિક્ષા નંબર GJ 10 TZ 1889 માં ટાઇલ્સ ભરી પસાર થઈ રહ્યા હતાં ત્યારે, આ સ્થળે સફેદ રંગની ટાટા હેરિયર કાર નંબર GJ 03 MB 4004 ના ચાલકે પોતાની કાર પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી સોહિલની પિકઅપ લોડીંગ રિક્ષાને ઠોકર લગાવી ફંગોળી દીધી.

બેકાબૂ કારની ઠોકરે ફંગોળાયેલી આ રિક્ષા રોડની સાઈડ પર ઉભેલા ટ્રક નંબર GJ 10 TY 6695 ના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઈ. આ ભયાનક અકસ્માતમાં સોહિલ તથા મોસિન નામના આ બંને યુવાનોના ગંભીર ઈજાઓને કારણે મોત નીપજયા છે. ફરિયાદમાં જણાવાયું છે કે, આ ટ્રક વાહનોને અડચણરૂપ બને તે રીતે રોડ સાઇડ પર ઉભો રાખવામાં આવ્યો હતો. આથી ફરિયાદીએ કાર ઉપરાંત ટ્રક ચાલક વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાવ્યો છે.
પોલીસે આ ગુનો BNSની કલમ 281, 285, 106(1) તથા MV એક્ટની કલમ 177 તથા 184 મુજબ, આ બંને વાહનોના ચાલકો વિરુદ્ધ દાખલ કર્યો છે. અત્રે નોંધનીય બાબત એ છે કે, રાજ્યના તમામ નાનામોટા માર્ગો પર કાર, ટ્રક, ટ્રાવેલ્સ બસ સહિતના લાખો વાહનો ગફલતભરી રીતે અને અયોગ્ય ઝડપે ચલાવવામાં આવી રહ્યા છે. નશાખોરો પણ વાહનો ચલાવે છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરવાની ટેવ ધરાવતા ચાલકો પણ વાહનો ચલાવે છે. અકસ્માત સર્જનાર વાહનોના ખરા કસુરવારોને જ્યાં સુધી આકરી સજાઓ અપાવી શકાશે નહીં ત્યાં સુધી અકસ્માતો અટકશે નહીં. નિર્દોષ લોકો કમોતે મરતા રહેશે. અને બીજી તરફ માર્ગ સલામતી સપ્તાહ, માસ, અભિયાનના સરકારી કાર્યક્રમો બેમતલબ રીતે યોજાતા રહેશે.
